“ઘર જેવું ખાવાનું પીરસતું આહાર ગૃહ કમલા”

ગુજરાત ના નવ જીલ્લા ની લગભગ પાંચ હજાર બહેનો ને રોજગાર પુરો પાડવા માટે સેવા સંસ્થા દ્વારા ચાલતા આહારગૃહની વાતો અને ભોજન બન્ને માણવા જેવો છે.

અમદાવાદનો એસ.જી. હાઇવે એટલે કે સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તાર સૌથી વ્યસ્ત અને કહેવાય કે ચહલપહલ વાળો વિસ્તાર છે. ત્યાં થલતેજ ચાર રસ્તા પાસે એક ગુરૂદ્વારા છે તેની સામેના રસ્તે જાવ અને તરત જ જમણી તરફ રામદેવ પીરનું મંદિર આવે છે. બસ તેને અડીને આવેલી ગલીમાં ‘કમલા’ લખેલું બોર્ડ જોવા મળશે. તો પહેલી નજરે તો કોઇને કંઇ ખબર જ નહી પડે. બંગલો છે, કોર્પોરેટ કંપનીની ઓફિસ છે, ગાર્ડન છે, કેફે છે કે ફરવાનું કોઇ સ્થળ છે. પરંતુ તમે અંદર જાવ એટલે બહારની દુનિયા ભૂલી જશો.

પક્ષીઓના કલરવ, માટીની મહેક અને ફુલોની સુગંધ, મુખ્યત્વે ગ્રામીણ બહેનોની અવર-જવર અને ચારેય બાજુ ટેબલ ખુરશી પાથરીને ઉપર મસ્ત સજાવટ કરી હોય. લોકો શાંતિથી વાતો કરતા કરતા ભોજન કરતા હોય, ધીમુ સંગીત વાગતુ હોય. વળી ડોકીયું કરીને જોઇ શકાય તેવું બારી વાળું રસોડું. તો પછી આ છે શું? કહું છું…. કહું છું. જરા રાહ જુઓ. આ એક અનોખું આહાર ગૃહ છે કે જે સ્ત્રીઓના આર્થિક અને સામાજીક ઉત્થાન માટે કામ કરતી સંસ્થા ‘સેવા’ કે જેનું આખું નામ છે *Self Employed Women’s Association* ની સભ્ય બહેનો દ્વારા ચલાવાય છે. ભાઇઓ પણ છે તે મદદમાં કામ આવે છે. આ સંસ્થા સાથે અલગ-અલગ ક્ષેત્રની વીસ લાખ મહિલાઓ સંકળાયેલી છે.

તો હવે એમા નવાઇ શું છે? રસોઇના કામમાં તો બહેનોનો સિંહફાળો હોય છે તેવું તમે કહેશો. પણ હવે તમે જેમ જેમ અહિંથી આગળ વાંચશો તેમ-તેમ મજા આવશે. કમલા તે સેવા સંસ્થાનું ફુડ આઉટલેટ કે આહાર ગ્રુહ છે કે જ્યાં તમને સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને વાળુ પીરસવામાં આવે છે અને તે પણ વ્યાજબી ભાવે. દિવસભર ચા, કોફી, શરબત અને સુકા નાસ્તા તો ખરા જ. સવારે આંઠ થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલું રહે છે.

તો પછી આમા વિશેષ શું છે તે સમજાવતા સેવા સંસ્થાના ડાયરેક્ટર ઉમાબહેન કહે છે કે, ‘આ સ્થળને અમે કેફે કે રેસ્ટોરન્ટ કહેવા નથી માંગતા કારણ કે અમારો ધ્યેય તેને ધંધાદારી રીતે ચલાવવાનો નથી પરંતુ પાંચ હજાર બહેનોને પગભર કરવાનો છે. આથી અહિં આવતા શાકભાજી, કઠોળ, મસાલા, પાપડ, અનાજ, બેકરી મટીરીયલ સહિતની તમામ ખાદ્ય સામગ્રી ‘સેવા’ સાથે સંકળાયેલી બહેનો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે અને તેમાંથી જ અહિં રસોઇ બને છે.’

*શુદ્ધ સાત્વિક ઘર જેવું ભોજન*
સાચેજ અહીં ના વાતાવરણ માં બહેનો ની મહેનતની એ સુગંધ તમે ફિલ કરી શકો છો. માત્ર બહેનો ને પગભર કરવા માટે શરૂ થયેલી આ જગ્યા એ મળતા ભોજન ની ક્વોલિટી પર વિશેષ કાળજી રાખવા માં આવી છે.

રસોઇની વાત કરું તો અહિં રેસ્ટોરન્ટમાં મળે તેવું તીખું, તેલવાળું, બિન જરૂરી મસાલેદાલ અને જાત-જાતનું ફ્યુઝન ફુડ નહી પરંતુ શુધ્ધ સાત્વિક ગુજરાતી અને બીજા પ્રદેશની વાનગીઓ તેના મૂળ સ્વરૂપમાં મળે છે. સવારે થાળીમાં દાળ, ભાત, લીલુ શાક, કઠોળ, રોટલી, છાશ, પાપડ અને સલામ મળે જ્યારે સાંજે ભાખરી, શાખ, ખીચડી, કઢી કે બીજી પંજાબી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન વાનગીઓ હોઇ શકે. એટલે કે તમે રોજબરોજ જે એક સામાન્ય વ્યક્તિના ઘરે બનતું હોય તેવુ મેનું હોય છે. વળી નાસ્તામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સવારે તળેલો નાસ્તો નહિ પરંતુ ઉપમા, પૌવા, ખમણ, મુઠીયા, ઢોકળા, થેપલા વગેરે હોય છે. જ્યારે સાંજે તમને તળેલો નાસ્તો મળે. દિવસભર ચા કોફી અને બહેનો એ જ બનાવેલા સુકા નાસ્તા, બેકરીની વાનગીઓ મળે. જે તમે ખરીદી પણ શકો છો.

*નામ મેં ક્યાં હૈ?*
નામ કમલા કેમ છે તો તેની પાછળનો પણ રસપ્રદ ઇતિહાસ છે. આ જે સુંદર હરિયાળી જગ્યા છે તે ડો. કમલા ચૌધરીના નામ ઉપર રાખવામાં આવી છે. ડો. ચૌધરીએ ડો. વિક્રમ સારાભાઇની સાથે આઇઆઇએમ, અટીરા અને ઇસરો જેવી વિશ્વ પ્રસિધ્ધ જગ્યાની સ્થાપના કરવામાં ભૂમિકા ભજવી હતી તેમણે આ જગ્યા સંસ્થાને દાનમાં આપી હતી. તેમનો આગ્રહ હતો કે કોઇપણ બાંધકામ થાય તેની હરિયાળી યથાવત રહેવી જોઇએ. તેથી બાંધકામ અને ઇમારતોની ડીઝાઇનમાં જેનો ભારત જ નહિ વિશ્વમાં ડંકો પડે છે તેવી ‘સેપ્ટ’ યુનિવર્સિટીના આર્કીટેક્ચરના પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેની ડીઝાઇન કરાઇ છે. ઉનાળામાં ઠંડક માટે સરસ શમિયાણો અને દેશી ઢબનો પાણીના ફુવારા નાખતો પંખો મૂકવામાં આવ્યો છે એટલે મુલાકાતીએને ઠંડક રહે.

*ગુજરાત ની બહેનો:*
ભલે આ એક સહયોગથી ચાલતી સંસ્થા છે પરંતુ તેનો પણ વિકાસ જરૂરી છે અને તે માટે માર્કેટીંગનું કામ ચિરાગ ત્રિવેદી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “હજુ અમારે ઘણા પડકારો છે. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા નાસ્તા, બેકરી પ્રોડક્ટસ અને રસોઇનો એક સરખો સ્વાદ જળવાઇ રહે તે માટે અમે મહેનત કરી રહ્યા છે. તેઓને અમે તાલિમ આપી રહ્યા છીએ. ગુજરાતમાં નવ જિલ્લાઓમાં ફુડ પ્રોસેસીંગનું કામ બહેનો કરે છે. તેઓ પોતાની પ્રોડક્ટસ બનાવીને નવ જિલ્લામાં કમળા કેન્દ્ર ઉપર આપે અને ત્યાં જ વેચાણ થાય.”

મુળ કમળા પ્રોસેસીંગ સેન્ટરની સ્થાપના અમદાવાદમાં 2015માં થઇ હતી પરંતુ એક વર્ષથી તેનું આધુનિકરણ કરાયું છે. આહાર ગૃહનું યોગ્ય સંચાલન અને ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હોટલ મેનેજમેન્ટના નિષ્ણાત એવા અધિકારી પણ અહિં દેખરેખ રાખી રહ્યા છે. વળી ફુડ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે કામ કરતી સંસ્થા *ફુડ એન્ટરપ્રન્યોર્સ એલાયન્સ (એફઇએ)* નામની સંસ્થાએ પણ તેમને આહાર ગૃહના વિકાસ માટે સલાહ અને સહયોગ આપવાની તૈયારી બતાવી છે. સોશિયલ મિડીયામાં માર્કેટીંગ માટે યુવાનો અને યુવતીઓ મહેનત કરી રહ્યા છે.

બેકરી પ્રોડક્ટસમાં મેંદો અને બીજા આરોગ્ય માટે હાનિકારક પદાર્થોનો ઉપયોગ ના થાય તેનું ધ્યાન રખાય છે. “બ્રેડ અને બિસ્કીટ બનાવવામાં અમે મેંદાનો ઉપયોગ નથી કરતા. અમે ઘઉં, રાગી, ઓટ્સનો ઉપયોગ કરીએ. પામોલિનનું તેલ કે કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ ટાળીએ છીએ. બહેનોને એવી રીતે તૈયાર કરીએ છીએ કે તેઓ આરોગ્યને અનુકુળ તેમજ સ્વાદિષ્ટ બેકરી પ્રોડક્ટ બનાવે,” એમ અનસુયાબહેન ચૌહાણ કે જેઓ સંસ્થાના બેકરી નિષ્ણાત છે તેમણે કહ્યું હતુ.

*પાપડ બઝાર:*
સેવા દ્વારા પાપડ બજાર કરીને એક કોન્સેપ્ટ શરૂ કરાયો છે જેમાં ગામડાની બહેનોએ બનાવેલા પાપડ અહિં માર્ચ મહિનામાં વેચવામાં આવશે. ચોખા, બાજરી, રાગી, ઘઉં અને મકાઇના પાપડનું કમલા ખાતે બજાર ભરાય અને લોકો તે ખરીદવા માટે. તેનાથી ગ્રામીણ બહેનોને આવક થાય છે. આવા જ સાંઇઠ વર્ષીય મહિલા ગીતાબહેન પંચાલ કહે છે કે, “મારા પતિના અવસાન બાદ વીસ વર્ષથી હું આ સંસ્થા સાથે સંકળાયેલી છું અને પાપડ બનાવીને હું પોતે પગભર થઇ છું અને મારી બે પુત્રીઓનું પણ લાલન પાલન કર્યું છે. હાલમાં મારા બિઝનેસમાં બન્ને પુત્રીઓને પણ સામેલ કરી છે. પાપડ બનાવીને વેચવાની પ્રવૃત્તિથી જ અમારું ગુજરાન ચાલે છે. અમારા ગ્રાહકો માટે ઓર્ડર લઇએ અને કમલાને પણ અમે પુરા પાડીએ.”

કમલા ખાતે આખો દિવસ લોકોની અવર-જવર રહે છે અને શાંત વાતાવરણમાં ગોષ્ઠિ, ધંધાકીય કામ કે પછી માત્ર ભોજનનો આનંદ કરવા લોકો આવતા રહે છે. તમને પણ આવો કોન્સેપ્ટ ગમે કે નહિ તે મને ઇમેલ કરીને જરૂરથી જણાવજો. આવજો ત્યારે આવતા સોમવારે ફરી મળશું. ત્યાં સુધી આઇ પીને મોજ.

Thankyou