રવીન્દ્રનાથ ટાગોર માટે વસંત એટલે હવાઓમાં તરવું, ફૂલોની સુવાસમાં આનંદિત થવું અને પૂર્ણિમાના પ્રકાશમાં પ્રકૃતિમય બનવું. ટાગોરનો પ્રકૃતિ પ્રેમની ચરમસીમા એટલે કાલીદાસનું મેઘદૂત. ટાગોર મેઘદૂતના કિશોરવયથી આશિક હતાં. પ્રેમની સમજ અને વિરહની વેદના સમજવી હોય તો મેઘદૂત વાંચતા રહેવું.
ટાગોરે વીસ વર્ષની વયે મેઘદૂતની યાદમાં મેઘદૂત નામની કવિતા લખી, એકત્રીસ વર્ષે મેઘદૂત નિબંધ લખ્યો. પાંત્રીસ વર્ષે મેઘદૂત સોનેટ લખ્યું, ચાલીસમાં વર્ષે નવ વર્ષા અને એકતાલીસમા વર્ષે બેકારની વાત નિબંધમાં મેઘદૂત પર લખ્યું. એકસઠમા વર્ષે મેઘદૂત નામની લઘુકથા લખી. ઇકોતેર, બોંતેરમાં વર્ષે વિચ્છેદ અને યક્ષ નામની કવિતાઓ લખી. જીવનના અંતિમ તબક્કે સિત્યોતેર વર્ષે ફરીથી મેઘદૂતની યાદ આવતાં યક્ષ નામની નવેસરથી કવિતા લખી..ટાગોરના જીવન પર મેઘદૂત પ્રભાવી રહ્યું છે. સોશિયલ મિડીયા અને ફેક મેસેજના સમયમાં મેઘદૂતના મેસેજ એકવાર તો વાંચવા જેવા… પ્રેમના છોડમાં પ્રકૃતિ રેડવાનો આનંદ…
Deval Shastri🌹