*રિયલ એસ્ટેટ ની બદલાતી તસવીર*

એક વખત એવો હતો કે ચાર રસ્તા પર વ્યાપાર ધંધા ધૂમ ચાલતા. બધા પોતાની દુકાન , ઑફિસ , દવાખાના માટે એવી જગ્યાઓ પસંદ કરતા જ્યાં બધાની નજર પડે.

આજે ચાર રસ્તા પર પાર્કિંગ નથી અને જો ક્યાંક પાર્કિંગ માટે થોડી જગ્યા મળે તો ટોઇંગ વાળા હેરાન કરે છે. પોલિસ આવે તો મોટો ચાંલ્લો કરવો પડે અને જો કોઈ પણ ના હોય તો પણ સી.સી.ટી.વી. પરથી ફોટો પડીને દંડ ભરવાનો મેમો આવી જ જાય.

ઘરાકી ઘટવાનું સૌથી મોટું કારણ આ ટ્રાફિક અને નો પાર્કિંગ છે.

પહેલા ચાર રસ્તાની મોકાની જે જગ્યા બધાની નજરે ચડતી અને ખરીદી કરવા સૌની પસંદગી ની જગ્યા હતી એ જ જગ્યા હવે એને એ ના એ જ ઘરાકો માટે એકદમ અળખામણી બની ગઈ છે.

હવે બધા ગુગલ મેપ સર્ચ કરીને તમને શોધે છે. જરૂર પડે ત્યારે બધા મારી નજીકની સ્ટેશનરી શોપ અથવા મારી નજીકના ડૉક્ટર , ઇન્ટિરિયર ડીઝાઈનર એમ ગુગલ પર સર્ચ કરે છે. પહેલાની જેમ કોઈ ચાર રસ્તા પર ડાફોળિયા મારી તમારું બૉર્ડ વાંચીને તમને શોધવાનું નથી.

દિવસે દિવસે બિલ્ડરો અને પ્રોપર્ટી ખરીદદાર લોકો ચાર રસ્તાને બદલે થોડા અંતરિયાળ વિસ્તારમાં કામધંધા અને વ્યાપાર માટેની જગ્યા પસંદ કરે છે. નવા શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ પણ મેઈન રોડ પર ચાર રસ્તા પર બનવાના બદલે થોડા અંદરના રોડ પર બને છે અને બધા જ ધૂમ કમાણી કરે છે.

ઘરાકી પ્રોપર માર્કેટિંગથી થાય છે નહિ કે ચાર રસ્તા પર આવેલા લોકેશન માંથી.

અધુરામાં જ્યાં આગળ ઓવરબ્રીજ આવે એટલે દુકાન કે ઑફિસ પર પહેલેથી લગાવેલા સાઈનબૉર્ડ કે હૉર્ડિંગ પણ દેખાતા જ નથી. હવે ચાર રસ્તે મેઈન રોડ પર દુકાન કે શોરૂમ હોવાનો શો ફાયદો. આની સામે અંડરબ્રીજ પર આવેલી દુકાનો , શોરૂમ અને ઓફિસોના સાઈનબોર્ડ બિલકુલ ઢંકાતા નથી. બધાને ક્લિયર દેખાય છે.

એક જમાનામાં બધા જ અંડરબ્રીજ પર જગ્યાઓ સૂમસામ લાગતી એને બદલે હવે અંડરબ્રીજ પર બધાના કામધંધા ચાર રસ્તા પર દૂકાન કે શોરૂમ હોય તેના કરતાં પણ વધારે ચાલે છે. અંડરબ્રીજ પરની રેસ્ટોરન્ટ રજાઓમાં પણ ભરેલી રહે છે કારણકે અહીં રવિવારે કોઈને પાર્કિંગની તકલીફ થતી નથી.

જો તમે મારી નજીકની રેસ્ટોરન્ટ કે મારી નજીકના ડૉક્ટર એમ ગુગલ સર્ચ કરો તો ખબર પડશે કે અંડરબ્રીજ પરના વ્યાપાર ધંધા ને ગુગલ સર્ચ કરવાથી પહેલો પ્રેફરન્સ આપે છે કારણકે ત્યાં ટ્રાફિક જામ નથી થતો અને બધાને પાર્કિંગ મળી જાય છે. પોલિસ અને ટોઇંગ વાળા પણ ઓછું હેરાન કરે છે. રેસિડેન્શિયલ એરિયા નજીક હોવાથી રિટેઈલ હોલસેલ બિઝનેસ , શોરૂમ , ગ્રોસરી સ્ટોર , ફ્રેન્ચાઈઝી બિઝનેસ, ડૉક્ટર, મેડિકલ સ્ટોર , ક્લાસીસ, સલૂન વગેરે ને પણ મેઈન રોડ કરતાં પણ મોટું માર્કેટ મળે છે.

બીજું ઓવરબ્રીજ ની નીચે ફેરિયા , ભંગારની લારીઓ , રિક્ષાઓ , હાથલારીઓ વાળા બધા જ ગોઠવાઈ જાય છે. ખુલ્લામાં પેશાબ કરવાની આદતવાળા લોકો ઓવરબ્રીજ ની નીચે રોજ રાત દિવસ ગંદકી ફેલાવે છે.

ભિખારીઓ અને દારુ ડ્રગના બંધાણીઓ જેવા અસામાજિક તત્વો ઓવરબ્રીજ ની નીચે કાયમી ઘર કરી જાય છે. કોઈ કાળે એકદમ પોશ એરિયા માત્ર એક ઓવરબ્રીજ આવવાથી અસામાજિક તત્વો અને ગંદકીના કારણે સ્લમ જેવો બની જાય છે. આની સામે અંડરબ્રીજ પર બધું નજર સામે દેખાતું હોવાથી કોઈ અસામાજિક તત્ત્વો કે ગંદકી ફેલાવનારા લોકો આવવાની હિંમત કરતાં નથી. અંડરબ્રીજ આવવાથી એ વિસ્તાર પહેલાં કરતાં પણ વધારે પોશ બની જાય છે.

મેટ્રો ટ્રેકની ૭૦૦ ફૂટના અંતરમાં હવે એફ.એસ.આઈ. ૪ સુધીની થઈ ગઈ છે અને બહુ નજીકના ભવિષ્યમાં કદાચ ૬.૫ સુધીની એફ.એસ.આઈ. પણ મળશે. એટલે કે ૩-૪ માળની બિલ્ડીંગો તોડી પાડીને ૩૦-૩૫ કે તેથી પણ વધુ માળ સુધીની બિલ્ડીંગો બનશે.

બધાજ ઓવરબ્રીજ અને અંડરબ્રીજ મેટ્રો ટ્રેક પર આવેલા છે. એટલે આ બધી જગ્યા તો હવે સોનાની લગડી જેવી થઈ ગઈ છે.

બધા અંડરબ્રીજ પર રિડેવલપમેન્ટ કરવા મોટા બિલ્ડરોનો ડોળો મંડળાયેલો છે. નજીકના ભવિષ્યમાં નદીની આસપાસ વિકસેલું જૂનું અમદાવાદ આશ્રમરૉડ અને સી.જી. રોડ દુબઇ જેવા બની જશે. રિવરફ્રન્ટ અને મેટ્રોના લીધે ભાવમાં અધધધ વધારો થયો છે.

નવી કોમર્શિયલ સ્કીમો આજ કારણે હવે રેસિડેન્શિયલ સોસાયટીઓ અને ફ્લેટોની વચ્ચે અંદરના રોડ પર મૂકાય છે. ચાર રસ્તાની જગ્યાઓ ખાલી પડી રહી છે.

શાંતિભાઈ પટેલ , ગૌતમ શાહ
રિયલ એસ્ટેટ એજન્ટ