અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ
રાજપીપલા, તા. 14
ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે તેમની કેવડીયા ખાતેની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન આજે બીજા દિવસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. આ મુલાકાતમાં ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવ જવલંત ત્રિવેદી, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર સંદિપકુમાર, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ પણ જોડાયાં હતાં.
મુખ્ય સચિવ અનિલ મુકીમે ત્યારબાદ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે મા નર્મદાના પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. તેઓશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મ્યુઝીયમ, પ્રદર્શન, લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ મુખ્ય સચિવ અનિલ મુકીમને સરદાર સાહેબની પ્રતિમાનું સ્મૃતિચિન્હ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની કોફી ટેબલ બુક સ્મૃતિરૂપે અર્પણ કર્યા હતા.
મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત અગાઉ 17 એકરમાં વિસ્તરેલા આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુ્દ્રાઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન નિહાળ્યું હતુ. વન સંરક્ષક આરાધના શાહુએ વિસ્તૃત જાણકારી આપી હતી. કેરળમાં વપરાતી ઉપચાર પધ્ધતિ મુજબ અહીં કાર્યરત વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તેઓએ ખલવાણી ખાતે રિવર રાફટિંગની મુલાકાત દરમિયાન રિવર રાફટીંગ કરીને અત્યંત ખુશી વ્યક્ત કરી હતી અને ઉપલબ્ધ પ્રવાસી સુવિધાઓની તેમણે જાણકારી મેળવી ઉક્ત પ્રવાસન પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદાર નિલેશ દુબે, પ્રોટોકોલના નાયબ કલેક્ટર બી.એસ. અસારી , નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, કમાન્ડ એરિયા નર્મદા નિગમના કેનાલ ડાયરેક્ટ પી. સી. વ્યાસ વગેરે પણ જોડાયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા