જામનગર ખાતે ફિલ્મી કલાકારો દ્વારા સેવાભાવી વ્યક્તિઓનું કરાયું સન્માન

જીએનએ જામનગર: જામનગર ખાતે માં મીડિયા હૉઉસ અને જેપીટીપીના સહિયારે તેજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના પુત્રના જન્મદિવસે નાણાંનો વ્યય ન કરતા ટીવી અને ફિલ્મી કલાકારો દ્વારા કોરોના કાળ અને સમાજમાં નિષવાર્થ સેવા આપતા તેમજ મીડિયા ક્ષેત્રે યોગદાન આપી રહેલ મીડિયાકર્મી અને મહાનુભવોને સન્માનિત કરતા કાર્યક્રમ રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર 2023નું ભવ્ય આયોજન સેવન સિઝન રિસોર્ટ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.

 

તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહના આયોજન દ્વારા ટીવી અને ફિલ્મ જગતની હસ્તીઓ રાજકુમાર કનોજીયા, સુરેન્દ્ર ઠાકુર, આભાસ કુમાર, અનુરાધાસિંહ, શ્યામલાલ અને હાસ્ય કલાકાર ધારશી બારડીયા સહિત જામનાગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, આંતરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી ટી જાડેજા, નોબત અખબારના તંત્રી શ્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેજેન્દ્રસિંહના પુત્ર પુષ્પરાજસિંહ દ્વારા જન્મદિવસની કેક કાપવામાં આવી હતી અને તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો હાસ્ય કલાકાર ધારશી બારડીયા દ્વારા પોતાની હાસ્ય કળા દ્વારા લોકોને હસાવી મંત્રમુગ્ધ કર્યા હતા. મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપી રહેલ વરિષ્ઠ પત્રકારો, એન્કર, અખબારના તંત્રીઓ, માહિતી વિભાગના અધિકારી, SOG પીએસઆઈ તેમજ કોરોના કાળ તેમજ સમાજમાં અનેક નિષવાર્થ સેવાઓ આપી ચૂકેલ અને સમાજમાં કાર્યરત એવા ડોકટર્સ, વકીલ, મોક્ષ ફાઉન્ડેશન, રમતમાં જામનાગરનું નામ રોશન કરનાર ખેલાડીઓ તેમજ અન્ય મહાનુભવોનું આ કલાકારોના હસ્તે પુરસ્કાર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પુરસ્કૃત થયેલ મહાનુભવોએ તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાના આ સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ આવા પુરસ્કાર કાર્યક્રમના આયોજન અને તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રયાસ બદલ બિરદાવ્યા હતા અને તેમના આ કાર્ય બદલ સરાહના કરવામાં આવી હતી.