વઘાસિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં હાજરી આપી તેઓને બિરદાવતા શિક્ષણમંત્રી.
જીએનએ જૂનાગઢ: શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં સહભાગી બની, ભાગવત કથાનું સુંદર આયોજન કરવા બદલ વઘાસિયા પરિવારને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા એ બિરદાવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય પ્રભુચરણ સ્વામીના મધુર કંઠે સમસ્ત પિતૃ મોક્ષાર્થે આયોજીત “શ્રીમદ્દ ભાગવત સપ્તાહ”માં સહભાગી બનતા શિક્ષણમંત્રીએ ભાગવત કથાનું સુંદર આયોજન કરવા બદલ રાજુભાઈ ગોરધનભાઈ વઘાસિયા અને પરિવારના આ મંગલમય કાર્યને બિરદાવ્યું હતું.
ભાવિક ભક્તો એકત્ર થઈ ભાગવત કથાનું રસપાન કરે એ સુસંસ્કૃત સમાજના નિર્માણ માટેનો સુંદર રસ્તો છે. ભાગવત કથા જીવનમાં અપનાવવાથી સર્વાંગી કલ્યાણ અને દરેક મનોરથ પરિપૂર્ણ થાય છે ત્યારે કથાપાન કરનાર તમામ શ્રોતાઓનું ભગવાન સ્વામિનારાયણ મંગલ કરે એવી પ્રાર્થના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કરવામાં આવી હતી.
આ અવસરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો સંતો – અનુયાયીઓ, સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીશ્રી સહિત રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો તેમજ આસપાસના 40 જેટલા ગામોના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.