મુસાફરો માટે આનંદો: જામનગર ખાતેથી 151 નવીન બસોનું લોકાર્પણ કરતા રાજ્યના ગૃહ અને કૃષિમંત્રી.
જીએનએ જામનગર: શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની 151 બસો લોકાર્પિત કરી હતી જેમાં રૂ.12 કરોડના ખર્ચે 30 સ્લીપર કોચ, રૂ.24 કરોડના ખર્ચે 70 લક્ઝરી બસ તથા રૂ.13.84 કરોડના ખર્ચે 51 મીડી બસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી તથા અન્ય મહાનુભવોએ પૂજન વિધિ બાદ નવીન બસોનું નિદર્શન કર્યું હતું તેમજ ડ્રાઇવરોને પ્રતિકાત્મક ચાવી એનાયત કરી બસોનું લોકાર્પણ કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જામનગરના આંગણેથી 151 નવીન બસોનું લોકાર્પણ થવાથી જામનગર સહિત સમગ્ર રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. જ્યારે આગામી ટૂંક સમયમાં જ જામનગર માટે નવું આધુનિક બસ સ્ટેશન પણ રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવનાર છે તેમજ જામનગરથી શ્રીનાથજી સુધીની સ્લીપર કોચ સુવિધા પણ શરૂ કરવામાં આવનાર છે તે અંગેની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ તમામ બસો અતિ આધુનિક ટેકનોલોજીથી યુક્ત છે જેમાં CMVR નોમ્સ મુજબ ઇમરજન્સી વ્યવસ્થા, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ, ફાયર એક્શટીગ્યુશર, ઇમરજન્સી માટે VLT ડિવાઇસ તથા પેનિક બટન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકાર્પિત કરાયેલ આ બસોમાં રાજ્યના 16 જિલ્લાઓને 70 લકઝરી બસ, 30 સ્લીપર બસ તેમજ 51 મીડી બસ ફાળવવામાં આવનાર છે જેમાં અમદાવાદ વિભાગને 9, અમરેલીને 6, ભુજને 5, વલસાડને 7, ભરૂચને 5, બરોડાને 8, ભાવનગરને 5, ગોધરાને 10, હિંમતનગરને 11, જામનગરને 9, જૂનાગઢને 16, મેહસાણાને 15, નડિયાદને 9, પાલનપુરને 11, રાજકોટને 19 તેમજ સુરત વિભાગને 6 એમ કુલ મળીને 151 બસોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય સર્વે શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, નિગમના મુખ્ય યાંત્રિક ઈજનેર એન.બી.સીસોદીયા, સચિવ રવિ નિર્મલ, અમદાવાદ વર્કસ મેનેજર પી.એમ.પટેલ, જામનગર વિભાગીય નિયામક બી.સી.જાડેજા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.