*આણંદ જિલ્લાના વિકાસ માટેના મંજુર કામોનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધરી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો અનુરોધ*
*****
*આણંદ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ*
*****
*જિલ્લાના ૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૫૯.૮૦ લાખના ૬૬૧ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૬૬.૭૬ લાખના ૫૭ કામો મંજૂર કરાયા*
*****
*સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ પ્લાન) જોગવાઇ હેઠળ રૂા. ૨૫ લાખના ૧૮ કામો પણ મંજૂર કરાયા*
*****
*આણંદ, રવિવાર ::* આણંદ જિલ્લાના પ્રભારી અને રાજયના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આણંદ જિલ્લાના વિકાસ માટે ૨૦૨૩-૨૪ના વર્ષ માટે જિલ્લાના ૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૫૯.૮૦ લાખના ૬૬૧ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૬૬.૭૬ લાખના ૫૭ કામો તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ પ્લાન) જોગવાઇ હેઠળ રૂા. ૨૫ લાખના ૧૮ કામો મંજૂર કરાયા હતા.
આ બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ માટે આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ હેઠળના વિકાસના કામો, દરખાસ્તો સરકારની માર્ગદર્શિકા મુજબ જ આયોજન મંડળને મોકલવા ઉપર ભાર મૂકવાની સાથે આણંદ જિલ્લાના વિકાસ માટેના મંજુર કામોનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધરી આ કામો સમયમર્યાદામાં પૂરા કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રી શ્રી પટેલે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કામો હાથ ધરવા અંગેના સૂચનો કરી અગાઉના વર્ષોના વિકાસના જે કામો બાકી હોય તે તમામ કામો ઝડપથી પૂરા થાય તે જોવાનું જણાવી વિકાસના કામો ઝડપથી શરૂ થાય તે માટે કોઇ તાંત્રિક/વહીવટી મંજૂરી મેળવવાની રહેતી હોય તો તે તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પણ સુચવ્યું હતું.
તેમણે જિલ્લાના વિકાસ માટે હાથ ધરાતા માળખાકીય કામોની ટેકનિકલ વિભાગના અધિકારી સિવાયના અધિકારી દ્વારા પણ સમયાંતરે મુલાકાત લઈ કામની ગુણવત્તાની અવશ્ય ચકાસણી કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ આ તકે વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ, ૫ ટકા પ્રોત્સાહક, ખાસ ભાલ પછાત તથા એ.ટી.વી.ટી.ના કામો, સાંસદસભ્યશ્રીની ગ્રાન્ટના કામો, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામોની સમિક્ષા કરી બાકી કામો પૂર્ણ કરવા અને ૧૦૦ ટકા ગ્રાન્ટ વપરાય જાય તે જોવા સુચના આપી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ તેમજ ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પરમાર, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી અમિતભાઇ ચાવડા અને શ્રી ચિરાગભાઈ પટેલે વિકાસ કામો માટે જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકના પ્રારંભમાં જિલ્લા. કલેકટર શ્રી ડી.એસ. ગઢવીએ મંત્રીશ્રી તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકાર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે. સી. રાવલે વિવેકાધીન જોગવાઇ, પાંચ ટકા પ્રોત્સાભહક જોગવાઇ, ખાસ અંગભૂત જોગવાઇ, ખાસ ભાલ પછાત વિસ્તાર જોગવાઇ, જિલ્લા, કક્ષા ગ્રાંટ, જિલ્લા વહીવટીતંત્ર ગ્રાંટ, ધારાસભ્યશ્રીની ગ્રાંટ અને એ.ટી.વી.ટી. જોગવાઇમાં પૂર્ણ કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના વિકાસકામોનું આયોજન રજુ કર્યું હતુ. તેમણે આયોજનના કામોમાં વહીવટી મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને તે માટે તેમના દ્વારા તાલુકા કક્ષાએ કેમ્પ કરવામાં આવશે તેમ જણાવી આ માટે તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને મંજૂર થયેલા કામોની માપણી એક માસમાં પૂર્ણ કરી તેના તાંત્રિક અંદાજો તૈયાર કરવા જણાવ્યું હતું.
આયોજનની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ, સંયુકત સચિવશ્રી આયોજન, જિલ્લાની તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
*****