મંદરોઇ ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં મંદરોઇ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.
શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો ખેલકૂદ ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર યોજાયેલ આ રમતોત્સવમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા વનરાજસિંહ બારડ, જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલ, ગામનાં યુવા અને ઉત્સાહી સરપંચ કિરણભાઈ ચૌહાણ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્પર્ધક બાળકો, સારસ્વતમિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
સ્થાનિક શાળાની બાળાઓએ પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાનાં આચાર્ય નગીનભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે બી.આર.સી.કો.ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવનમાં શારિરીક અને માનસિક તંદુરસ્તી જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે ત્યારે આવા રમતોત્સવ બાળકોમાં પર્યાપ્ત ઉર્જા પ્રદાન કરશે એવી મને ખાત્રી છે. તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલે બી.આર.સી. ઓલપાડની શૈક્ષણિક ઉપરાંત બાળકોનાં સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓને અભિનંદન આપતાં જણાવ્યું કે આવા સરાહનીય પ્રયાસો સામાજિક ઉત્થાનનું શ્રેષ્ઠ પગથિયું છે. ઉપસ્થિત મહાનુભાવોએ મશાલ પ્રગટાવી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. મશાલ વાહક આશિયાનાનગર પ્રાથમિક શાળાનાં શિક્ષિકા નેહલ મહીડાની આગેવાનીમાં સૌ સ્પર્ધકોએ માર્ચ પાસ્ટ કરી હતી.
કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સમગ્ર સ્પર્ધાનું પરિણામ ઘોષિત કરતાં જણાવ્યું હતું કે પ્રાથમિક સ્તરનાં આ રમતોત્સવ થકી બાળકો અને શિક્ષકોમાં ચોકકસ નવું જોમ ઉમેરાશે. તેઓ પણ ભવિષ્યમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ પોતાનું અને તાલુકાનું નામ રોશન કરે એવી સૌને તેમણે શુભેચ્છા પાઠવી હતી. વ્યકિતગત તેમજ સાંઘિક રમતોનાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા સર્વશ્રી યજમાન ગામનાં અગ્રણીઓ ડૉ. આશિષ પટેલ, માજી સરપંચ ધર્મેશ પટેલ, રવિના પટેલ, કામિની પટેલ, રાજેશ પટેલ, ઇશ્વર પટેલ, મનોજ પટેલ, અલ્તાફ મન્સુરી, રવિન્દ્ર પટેલ તથા ચંપક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનાં ઉદઘોષક તરીકે સીથાણનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ સેવા બજાવી હતી. અંતમાં આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંદરોઇ પ્રાથમિક શાળાનાં બાળકો તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.