અમદાવાદમાં મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની મળી ઘમકી
જીએનએ અમદાવાદ: અમદાવાદમાં મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકની ફરિયાદના આધારે પોલીસે પ્રવિણ સાંવત અને સાગર પંચાલ નામના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં રહેતા સોહનલાલ ઉર્ફે સોનુ (34)એ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અમરાઈવાડીમાં રહેતો તેનો મિત્ર અમિત દુબે હાલ જેલમાં છે. જેના જામીન માટે કોર્ટમાં જવું પડે છે. ત્યારે ગત રોજ 24 ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાલના વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા પ્રવિણ સાવંત અને સાગર પંચાલ નામના યુવકનો ફોન આવ્યો હતો. બંનેએ તેને પોતાની સોસાયટીની બહાર બોલાવ્યો હતો. જે બાદ તે સોસાયટીના ગેટ પર ગયો હતો. જ્યાં બંનેએ તેને ધમકી આપી હતી કે જો અમિત દુબે જામીન માટે કોર્ટમાં જશે તો તેની હત્યા કરી દેવામાં આવશે. બંને ધમકીઓથી ફરિયાદી સોહનલાલ ડરી ગયા અને ઘરે આવીને પરિજનોને વાત કરી. જે બાદ પ્રવિણ સાવંત તેને ફોન પર હેરાન કરે છે. તેને જીવનું જોખમ છે. રામોલ પોલીસે જણાવ્યું કે અમરાઈવાડીનો રહેવાસી અમિત દુબે એક કેસમાં જેલમાં છે. જેને લઇને આ બન્ને શખ્સો યુવકને ધમકી આપી રહ્યા છે. આરોપી પ્રવિણ સાવંત અને તેના સાગરીત સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.