અમદાવાદમાં 19મીએ સૌ પ્રથમવાર યોજાશે સંત સાનિધ્યે સાહિત્યોત્સવ

જીએનએ અમદાવાદ: અમદાવાદમાં તારીખ 19 ફેબ્રુવારીએ સૌપ્રથમવાર “સંત સાનિધ્યે સાહિત્યોત્સવ” કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં જાણીતા ગુજરાતી સાહિત્યકારો, કલાકારો અને સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.

 

ઝેડ કેડ ફાઉન્ડેશન, એસ.જી.વી.પી. અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે “સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ” અંતર્ગત માતૃભાષાના પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તારીખ 19 ફેબ્રુવારીએ અમદાવાદના જાણીતા એસ.જી.વી.પી. કેમ્પસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જાણીતા ગુજરાતી સાહિત્યકારો, કલાકારો અને સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.

 

આ કાર્યક્રમમાં ઝેડ-કેડ પબ્લિકેશન દ્વારા 51 થી વધુ પુસ્તકોનું એક જ મંચ પર વિમોચન થવા જઈ રહ્યું છે જેમાં એસ.જી.વી.પી સંસ્થાના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી, શ્રી ભાણદેવજી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા જેવા અલગ અલગ સાહિત્યકારોના પુસ્તકો આ કાર્યક્રમ “સંત સાનિધ્યે સાહિત્યોત્સવ” માં વિમોચન કરશે. આ ઉપરાંત કાર્યક્રમની શરૂવાત સવારે 9 વાગ્યાથી સાંજે 7.30 સુધી ચાલશે જેમાં બાળસાહિત્ય, નારી ચેતનાને ઉજાગર કરતા પુસ્તકો અને મહિલા વક્તાઓ દ્વારા ચર્ચા તથા માતૃભાષાનું માહિમાગાન અંતર્ગત ડો. ભરત જોશી અને પદ્મશ્રી પ્રવીણ દરજી દ્વારા પુસ્તકોના વિમોચન અને માતૃભાષા વિષય પર વાત કરવામાં આવશે.

 

આ કાર્યક્રમ વિશે માહિતી આપતા પિયુષ પટેલ દ્વારા જણાવાયું હતું કે.મહિલાઓ ના સામાજીક અને સાહિત્ય પ્રત્યેના પ્રેમ વિશે વાત કરવા માટે વિચરતી જાતી માટે ઉત્કૃષ્ટ કાર્ય કરતાં સમાજ સેવિકા મિત્તલ પટેલ અને ગુજરાતી યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના ડો. સોનલ પંડ્યા દ્વારા ચર્ચા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં ખાસ ઝેડ કેડ ફાઉન્ડેશન દ્વારા “ઇચ્છાબા શિક્ષણ રત્ન મુરબ્બી શ્રી જશીબેન નાયક કે જેઓ 104 વર્ષની ઉંમરે શિક્ષણ સેવા યજ્ઞ જેવા કાર્યો કરે છે તેમને આપવામાં આવશે સાથે જ “ઇચ્છાબા સાહિત્યરત્ન” તરીકે જાણીતા લોકગાયક અને કવિ લોકસાહિત્યકાર શ્રી અરવિંદ બારોટને લોકસાહિત્ય માં પાયાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ઝેડ કેડ ફાઉન્ડેશન, એસ.જી.વી.પી સંસ્થા અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.