મહિસાગરમાં ચાલુ વરઘોડામાં કાર બેકાબુ બની ઘુસી.. આનંદનો અવસર ફેરવાયો માતમમાં..

જીએનએ મહીસાગર: મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં બેકાબૂ સ્વિફ્ટ કારે મહેમાનોને ઉછાળયા હતા. સમગ્ર ઘટનામાં 1 મહિલા મણીબેનનું મોત નીપજ્યું હતું અને 26 લોકો ઈજાગ્રસ્ત થયા જેમાં 4 ની હાલત ગંભીર છે.

.

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં સ્વીફ્ટ કાર ઘુસી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે જેમાં વરઘોડામાં નાચતા જતા મહેમાનોને સ્વિફ્ટ કારના ચાલકે અટફેડે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત થવાના કારણે લગ્નના વરઘોડામાં આનંદની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ બાલાસિનોરના દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી રાત્રે વરરાજાનો વરઘોડો બાલાસિનોર શહેરમાં નીકળ્યો હતો. એવામાં મુખ્ય રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ કારના કાર ચાલકે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટમાં લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતથી વરઘોડામાં અફરા તફરી મચી ગઇ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. તેમજ 26 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને થતા ઘટના સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હાલ નડિયાદ અને બાલાસિનોરની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. છે. મહિસાગર જિલ્લા એસ.પી રાકેશ બારોટ ઇજાગ્રસ્તોના ખબર અંતર જાણવા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. જિલ્લા ડીવાયએસપી વળવી, બાલાસિનોર પીઆઇ એન.એમ.નિનામા દ્વારા પણ સ્થળ તપાસ કરી હતી અને ઈર્જાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

 

બાલાસિનોર પોલીસે પણ ભારે જહેમત ઉઠાવી ઘાયલોને હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ પૂછપરછ અને સીસીટીવીના આધારે કાર ચાલક મેઘલિયા ગામના સ્મિત ઝાલા અને તેની સાથે રહેલ બાલાસિનોરના હાર્દિકને ઝડપી પાડ્યા છે. આ બંને નશાની હાલતમાં હતા કે કેમ? ક્યાં કારણોસર આ બનાવ બન્યો તે સાચી હકીકત તપાસના અંતે બહાર આવશે જેની વધુ તપાસ ચાલુ છે.