બીકે જિલ્લા કલેકટર દ્વારા માતાજીને ચામર અર્પણ કરનાર અમદાવાદના દીપેશભાઈને સન્માનિત કરાયા
જીએનએ.પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના ચેરમેન આનંદ પટેલ દ્વારા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માતાજીને ચામર અર્પણ કરનાર જય ભોલે ગ્રુપ, અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ બી. પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આદ્યશક્તિ માં અંબેના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં પ્રથમ દિવસે જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ બી. પટેલ સાથે ૧૦૦૦ થી પણ વધારે સ્વંયમ સેવકો તથા મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુરની૧૫૦ દિવ્યાંગ બાળાઓએ ‘ચામરયાત્રા’ યોજી સંપૂર્ણ ૫૧ શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ કરી જગદંબાના ચરણોમાં સર્વશ્રેષ્ઠ સન્માન તથા ઉત્કૃષ્ટ પવિત્રતાના પ્રતીક સમી ‘ચામર’ અર્પણ કરવામાં આવી હતી. તેમજ પરિક્રમા પથ પર સફાઈની સુંદર કામગીરી બજાવી યાત્રિકોને સ્વચ્છતા સંદેશ પણ પાઠવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે તેમની સેવાઓની કદરરૂપે પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કર્યા હતા.