ઘરમાં મેલ ઘર કરે તો ઉકેલ થાય, પરંતુ મનમાં મેલ ઘર કરે તો મુશ્કેલ થાય- ડો.મતાઉદ્દીન ચિશ્તી
સંસ્કૃતિ પર્વમાં ઉદ્ગારેલ કેટલીક પ્રેરણાદાયક રત્નકણિકાઓ
દુ:ખનું મૂળ કારણ આપણે આસ્થામાં ઓછું અને અનુમાનમાં વધું જીવીએ છીએ.
જીવનઘડતર અને સંસ્કૃતિનો આવશ્યક ઘટક સંસ્કાર છે.
જયાં સુધી નાની નાની બાબતોમાં વાંધાવૃત્તિ નહીં છૂટે ત્યાં સુધી સબંધોમાં સાંધા પ્રવૃતિ યથાવત રહેશે.
જીનવને માત્ર ‘વન’ નહી ‘ઉપવન’ બનાવવું જોઇએ.
સેવામાં સમર્પણ જરૂરી છે, દરેક ક્ષેત્રે થતી નકલથી સાવધાન રહેવું જોઇએ.
સુરત જિલ્લાનાં વિવિધ તાલુકાઓની મુલાકાતનાં પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘરે ઘરે ગાયો પાળો, ઘરે ઘરે વૃક્ષ વાવો, ઘરે ઘરે સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનાં ઘરે ઘરે સંસ્કાર આપો જેવાં ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદીનાં હાલનાં ગાદીપતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર – અનુગામી આદરણીય ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સંસ્કૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે મૌન પાળવામાં આવ્યા બાદ સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાલૈયા શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું. સ્વાગત પ્રવચન બાદ ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓનું ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનાં હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરાયું હતું.
ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાની આગવી શૈલીમાં આદ્યાત્મિકતા તેમજ જીવન ઉપયોગી, વ્યસન મુકિત, ગુણવત્તા સભર શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે નાની બાબતોમાં વાંધા લેવાનું છોડી ઉદાર મને જીવન જીવવું જોઇએ. જીવનઘડતરની પ્રક્રિયામાં અનેક ઘટકોનો સમન્વય આવશ્યક છે, માણસની બદલાતી પરિસ્થિતિમાં વ્યક્તિનો અભિગમ પોતાનાં તરફ અને અન્ય તરફ યોગ્ય હોવો જોઇએ જે અગત્યની ભૂમિકા ભજવે છે. આચરણ અને નીતિનો અભાવ દરેકને અધર્મ તરફ લઇ જાય છે, જીવનમાં સ્નેહ, હકારાત્મકતા અને માનવતાની મશાલ જીવંત રહે તે માટે પ્રયત્ન થવા જોઇએ, વધુમાં તેમણે દીવડાનાં ઉદાહરણ થકી સમજાવ્યું હતું કે જેમ એક દીવડો પ્રગટીને હજારો દીવડા પ્રગટાવી શકે છે તેમ અન્યનાં જીવનમાં દીપ પ્રગટાવવા માધ્યમ બનવું જોઇએ. કોઇપણ સંબંધમાં હવે માણસો અસહ્ય બની જતા હોય છે, જેને લઇ અંતે સંબંધ અને સમાજમાં સાંધા લેવાનો સમય આવી જાય છે. એકબીજાની પરિસ્થિતિને સમજી નિર્ણય લેવાથી હ્દયમાં સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. આપણા ભીતરને સમજવાનો અવસર એટલે જ સંસ્કૃતિ પર્વ, જગતમાં સત્ય અને અસત્ય બંનેને અનુસરવાવાળા છે આપણે ક્યાં છે એ જાણવું જરૂરી છે, અસત્યને અનુસરતા હોય તો ચેતવાની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજે બધાંએ બીજાને બદલવા છે પરંતુ પોતાને બદલવા કોઇ તૈયાર નથી, બદલાવની શરૂઆત આપણાથી જ થવી જોઈએ.
આ તકે તેમણે શિક્ષક અને વિદ્યાર્થીની વાત કરી ખૂબ સુંદર સમજ આપીને વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સદર ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં મુલાકાત અને કોમી એકતાનાં ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનકભાઇ તેમજ પરેશભાઇએ કર્યું હતું.
બીજા દિવસથી તા.૧૫ ફેબ્રુઆરી સુધી સુરત, માંડવી, સોનગઢ, વ્યારા, તાપી, મોટામિયાં માંગરોલ, તાપી જેવાં વિસ્તારોમાં વ્યસન મુક્તિ સહિત ઘરે ઘરે સંસ્કાર આપોનો સંદેશ મુલાકાત દરમિયાન આપવામાં આવશે. એમની સાથે ભક્તિ ફેરીમાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાશે. કાર્યક્રમને સફ્ળ બનાવવા ચિશ્તીયા મંડળ સહિત સમસ્ત અનુયાયીગણે ભારે જહેમત ઉઠાવી હતી.