ગાંધીધામ ઓવરબ્રિજ પાસે નાળાંનું કામ નબળું

ગાંધીધામ, શહેરમાં આંબેડકર સર્કલ પાસે બનતા ઓવરબ્રિજની પાસે વરસાદી નાળાંનાં કામમાં લોટ પાણી ને લાકડાંની નીતિ અપનાવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. અહીં આવું કામ થશે તો આગામી ચોમાસામાં લોકોનો મરો થશે તેવી બાબતો બહાર આવી હતી.

 

શહેરના ટાગોર રોડ ઉપર આંબેડકર સર્કલ પાસે માર્ગ અને મકાન વિભાગના ઠેકેદાર દ્વારા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજની સાથેસાથે સર્વિસરોડ પાસે વરસાદી નાળાંનું કામ પણ ચાલી રહ્યું છે. બંધ એવા આ નાળાંની કામગીરીમાં લોટ પાણી ને લાકડાની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ નાળું બનાવવા વપરાતી સામગ્રી હલ્કી ગુણવત્તાની વપરાઈ રહી છે.

 

આવી ઊતરતી કક્ષાની સામગ્રીથી’ બનેલ વરસાદી નાળું ચોમાસામાં ટકી નહીં શકે. ઓછામાં પૂરું નાળું બની ગયા બાદ ત્યાં પાણીનો છંટકાવ પણ કરાતો નથી. આસપાસની સોસાયટીઓના લોકોએ ખાનગી ઠેકેદારના સુપરવાઈઝરોનું ધ્યાન દોરતાં આ ખાનગી કર્મચારીઓએ મહિલાઓ સાથે પણ ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું અને પાણી નહીં છંટાય, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો તેવા જવાબ આપવામાં આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આવી નબળી ગુણવત્તાના કારણે ચોમાસામાં આ નાળું ટકી નહીં શકે અને બાદમાં સ્થાનિક લોકોનો મરો થવાનો છે જેથી આ કામ સારી ગુણવત્તાવાળું કરવામાં આવે તથા નિયમો અનુસાર કરાય તેવી માંગ સ્થાનિક એવા મયૂરીબેન ઠક્કર તથા અન્યોએ કરી હતી અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.