જામનગર શહેરના બંને યુવા ધારાસભ્યો દ્વારા આજે જનજાગૃતિના જાહેર કાર્યક્રમ યોજાશે.
જીએનએ જામનગર: જામનગર શહેરના બંને યુવા ધારાસભ્યો દ્વારા ભારત સરકારશ્રીના ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જનજાગૃતિના જાહેર કાર્યક્રમ યોજાશે. જામનગરની બંને વિધાનસભા બેઠક જામનગર દક્ષિણ અને ઉત્તરના ધારાસભ્ય શ્રી દિવ્યેશભા અકબરી અને શ્રીમતી રીવાબા જાડેજા આજે ત્રણ વિવિધ સ્થળોએ જામનગર મહાનગરપાલિકાના ઇન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જનજાગૃતિના જાહેર કાર્યક્રમમાં જોડાશે અને લોકોને આ સર્વેક્ષણમાં ભાગ લેવા જાગૃત કરી આહવાન કરશે. આ અંતર્ગત જામનગર શહેરના રણમલ તળાવ ખાતે ગેઈટ નંબર: ૨ ખાતે સવારે ૦૭:૦૦ વાગ્યે, બેડીનાકા વિસ્તાર ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે, ચાંદીબજાર ખાતે સવારે ૧૧:૩૦ વાગ્યે, સાંજે 05:00 કલાકેક ડી.કે.વી, સર્કલ તેમજ સાંજે 06:00 કલાકે ક્રિસ્ટલ મોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર જનતાને સર્વેક્ષણ માટે જાગૃત કરી આહવાન કરશે. હાલ ભારત સરકારશ્રીના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જેતે શહેરના નાગરીકો(૧૮ વર્ષથી ઉપરના) દ્વારા સિટીઝન ફીડબેક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરીકો પોતાના શહેરમાં રહેલી-પ્રાપ્ય સુવિધાઓ વિષે સરકારશ્રીને જણાવી શકે છે. માત્ર ૧૭ જેટલા સામાન્ય
વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઈન જવાબો આપવાના રહે છે જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વિજળી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રત્યુતર દ્વારા જવાબો પ્રાપ્ત થવાથી આગામી સમયમાં સરકાર દ્વારા જેતે શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૂપરેખા તૈયાર થઇ શકે. આ અંતર્ગત જામનગર શહેરની ઇન્ડેક્ષ સર્વેની કામગીરી જામનગર મહાનગરપાલિકા પર સોપવામાં આવી છે. આ સર્વેમાં ઓનલાઈન ફિડબેક દ્વારા વધુમાં વધુ લોકો સર્વેક્ષણમાં ભાગ લે તે જરૂરી છે.