ઓલપાડની ઉમરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉમળકાભેર ઉજવવામાં આવ્યો.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તા.૧૫/૧/૧૮૭૨ નાં રોજ સ્થપાયેલી આ શાળા ૧૫૧ વર્ષ પૂર્ણ કરી ૧૫૨ માં વર્ષમાં પગરવ માંડી રહી છે. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં શિક્ષકગણે કેક કાપી શાળાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શાળાનાં બાળકોએ આ પ્રસંગને ગગનભેદી ચિચિયારીઓ સાથે વધાવ્યો હતો. આ તકે શાળાનાં બાળકોને તિથિભોજન પણ આપવામાં આવ્યું હતું.

શાળાનાં ઉપશિક્ષક વિપુલ ત્રિવેદીએ શાળાનો સ્થાપનાથી લઈને આજદિન સુધીનો ચિતાર રજૂ કરી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શાળા ગામનું ઘરેણું છે. આ શાળાએ ગામને ઘણાં ખમતીધર નાગરિકો આપ્યા છે. શાળા ગામની લીલીસૂકીમાં સાક્ષી બની છે. શાળાનાં આચાર્યા બેલા પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળામાં ભણે એ અપેક્ષિત છે.

ઉજવણીનાં ભાગરૂપે રાત્રિ દરમિયાન ગામની પટેલ સમાજની વાડીમાં શાળા દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં બાળકોએ એક થી એક ચડિયાતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ગામનાં સરપંચ, ગામનાં વડીલો, વાલીજનો, એસ.એમ.સી.સભ્યો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત સુરત કોર્પોરેશનનાં વોર્ડ નંબર-૨ નાં કોર્પોરેટર રાજેશ મોરડિયા અને ચેતન રાદડીયા તેમજ એકતા ગૃપનાં પ્રમુખ હસમુખ હીરપરા આ ઉજવણીમાં સહભાગી થયા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યું હતું. અંતમાં આભારવિધિ સાયણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે આટોપી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલે શાળાનાં સ્થાપનાદિન નિમિત્તે બાળકો તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.