ગુજરાતને નવા DGP મળે તે પહેલાં જ IPS અધિકારીઓના પ્રમોશનની જાહેરાત થઈ શકે

 

રાજ્યના DGP આશિષ ભાટિયા 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં મોટી ફેરબદલીઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તે સમયે ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું હતું. હવે નવી સરકાર બન્યા બાદ IPS અધિકારીઓના પ્રમોશન માટેનો તખતો તૈયાર કરાયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલના પોલીસ વડા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થાય છે. જેથી નવા પોલીસ વડાની નિયુક્તિ પહેલાં જ IPS અધિકારીઓને પ્રમોશન મળવાની શક્યતાઓ છે. હજી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

 

IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર

સુત્રોએ જણાવ્યા પ્રમાણે 1991 બેચના શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડૉ.કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરું, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન અપાઈ શકે છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ પ્રમોશન માટે  DPCની બેઠક યોજાઈ હતી. જેમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. રાજ્યના હાલના પોલીસ વડા આશિષ ભાટિયા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં છે. જેથી તે પહેલાં જ પ્રમોશન આપી દેવાય તેવી શક્યતાઓ છે.

 

નવા DGP માટે આ અધિકારીઓના નામ ચર્ચામાં

ગુજરાતમાં નવા ડીજીપી કોણ બનશે તેના નામોને લઈને હવે ચર્ચાઓએ જોર પકડયુ છે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલાં તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ અગાઉ આશિષ ભાટિયાને એક્સટેન્શન અપાયા છે. વર્ષ 2020ની જુલાઈએ ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય અતુલ કરવાલ, અજય તોમર અને વિકસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે.