અમદાવાદ પોલીસ લાઈનોમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓથી તંત્ર દોડતું થયું,
ACPએ આપ્યા આદેશ
મદદનીશ પોલીસ કમિશ્નરે એક યાદીમાં કહ્યું, પોલીસ લાઈનમાં સાફ-સફાઈ દરમિયાન દારૂની બોટલો મળે છે
પોલીસ હેડક્વાર્ટર હસ્તકની પોલીસ લાઈનોમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા આદેશ
ગુજરાતમાં દારૂ બંધી છે આ માત્ર એક કાગળ પર રહેલી વાત છે. રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનો દારુ ઝડપાઈ રહ્યો છે. પોલીસ ચોકીઓ ગોઠવીને દારુની હેરાફેરીને રોકવાના પ્રયત્નો કરે છે. ત્યારે ખુદ પોલીસ જ દારૂબંધીનો ભંગ કરે છે એની પણ કોઈ નવાઈ નથી. અમદાવાદ શહેરમાં મદદનીશ પોલીસ કમિશ્નર તરફથી એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ હેડક્વાર્ટર હસ્તકની પોલીસ લાઈનોમાં દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ના થાય તે માટે તકેદારી રાખવી પડશે.
શંકાશીલ ઈસમોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવું પડશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મદદનીશ પોલીસ કમિશ્નર કે.એલ. મકવાણાની એક યાદીમાં જણાવાયું છે કે, પોલીસ મુખ્ય મથક શાહિબાગ ખાતેની પોલીસ લાઈનમાં સાફ-સફાઈ દરમિયાન એકઠો કરવામાં આવતા ઢગલામાં દારૂની બોટલો મળી આવે છે. તે ઉપરાંત આ મથકમાં જુગાર પણ રમાઈ રહ્યો હોય છે. જેથી દારૂ- જુગારની પ્રવૃત્તિઓને વેગ ના મળે તે માટે લાઈન જમાદાર અને ક્યુઆરટી ઈન્ચાર્જે ખાસ તકેદારી રાખવી પડશે. શંકાશીલ ઈસમોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવું પડશે.
ગેરકાયદે પ્રવૃત્તિઓની ઉપરી અધિકારીઓને જાણ કરવી પડશે
મદદનીશ પોલીસ કમિશ્નરે યાદીમાં એવુ પણ કહ્યું છે કે, પોલીસ લાઈનોમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે યોગ્ય કાળજી અને સુપરવિઝન રાખવાનું રહેશે. આ બાબતે કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો તરત ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત મુખ્ય મથક કેમ્પસમાં બહારથી આવતાં અજાણ્યા ઈસમોને પ્રવેશ આપતાં પહેલં સંપૂર્ણ ચેકિંગ કરવાનું રહેશે. જો વાજબી કારણ હોય તો જ પ્રવેશ આપવાનો રહેશે.