ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન

(શાળાનાં શિક્ષકો દ્વારા ઉભા કરવામાં આવેલાં સ્ટોલ પરથી બાળકોને વાનગીઓનું નિઃશુલ્ક વિતરણ)

 

હાંસોટ : ૩૧ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સાયણ પ્રાથમિક શાળાનાં પટાંગણમાં ભવ્ય આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્યા સેજલબેન રાઠોડની પ્રેરણાથી યોજાયેલ આ આનંદમેળાને સાયણ ગામનાં પ્રથમ નાગરિક જીજ્ઞાસાબેન ઠક્કર તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલનાં સંયુક્ત હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયેલ આ આનંદમેળામાં બાળકો દ્વારા 90 જેટલી અવનવી વાનગીઓ અલગ અલગ સ્ટોલોમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. બધી જ વાનગીઓ 5, 10 અને 20 રૂપિયા જેટલાં નજીવા દરે વેચાણમાં મૂકવામાં આવી હતી. જેમાં મંચુરિયન, ક્રિસ્પી પીઝા, પાણીપુરી, બોમ્બે ભેલ, વડાપાઉં, દાબેલી, જલેબી, ગુલાબજાંબુ, લોંગલતા જેવી સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થતો હતો. અત્રે નોંધનીય બાબત એ હતી કે શાળાનાં શિક્ષકો દ્વારા પણ 5 જેટલી વાનગીઓનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રસ્તુત વાનગીઓની બાળકોને નિઃશુલ્ક લ્હાણી કરાવવામાં આવી હતી.

આનંદમેળાનું આયોજન કરવાનો મુખ્ય ધ્યેય આનંદ પ્રમોદની સાથોસાથ સ્વચ્છતા તથા બાળકોમાં Health અને Hygiene નું જીવન કૌશલ્ય કેળવવાનો હતો. આનંદમેળામાં ભાગ લેનારા બાળકો પૈકી શ્રેષ્ઠ વાનગી પ્રસ્તુત કરનાર સ્ટોલ ધારક બાળકોને નિર્ણાયકો દ્વારા 1 થી 5 નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આનંદમેળામાં એસ.એમ.સી. સભ્યો, સાયણ કેન્દ્રનાં શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત વાલીજનોએ ઉપસ્થિત રહીને વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં શિક્ષક ભાઈ-બહેનોએ ભારે ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.