*’25 ડિસેમ્બરના યોજાનાર સુશાસન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ*
જીએનએ જામનગર: કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.૨૫ ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે ‘સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત ‘પ્રશાસનિક સુધારણા આયોગ’ હેઠળ સુશાસન દિવસની દરેક જિલ્લામાં ઉજવણી કરાય છે. તા.૧૯ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત, જામનગર જિલ્લામાં પણ તા.૧૯ ડિસેમ્બરથી તા.૨૫ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ ઉજવણી’નું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં શિક્ષણ સમિતિ, વાસ્મો સમિતિ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગ દ્વારા વર્ષભરમાં કરવામાં આવેલી સુચારુ કામગીરીના આંકડા તેમજ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં ૪૨૦ ગામોમાં ગ્રામ્ય પાણી સમિતિની રચના કરાઈ છે. હાલ, ૩૧૨ ગામોમાં મહિલાઓને ફિલ્ડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે, જેનાથી પીવાના પાણીના સેમ્પલનું નિયમિતપણે ચેકીંગ કરવામાં આવે છે. ‘હર ઘર જલ’ યોજના અંતર્ગત જિલ્લાના ૧,૪૧,૦૪૦ ઘરોમાં ‘નલ સે જલ’ દ્વારા પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા થયેલી નોંધપાત્ર કામગીરી નિહાળીએ તો, જિલ્લાના ૪૨૨ બાળકો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત ડી.જી.આઈ. ઇન્ડિકેટર મુજબ જામનગર જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે ૬૦૦ માંથી ૪૦૦ પોઈન્ટ્સ મેળવીને ‘ઉત્તમ’ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. ‘પ્રબંધ’ અને ‘UDISE’ પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારને બાળકોની તમામ માહિતીનો દૈનિક અહેવાલ આપવામાં આવે છે.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી દ્વારા ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર દ્વારા વિવિધ વિભાગના વડાશ્રીઓને સુશાસન દિવસની રૂપરેખા સમજાવવામાં આવી હતી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. બેઠકના અંતે અધિક નિવાસી કલેકટરશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.