સુરતના યુવકે લગ્નમાં એવી કંકોત્રી બનાવી કે, કુંડામાં નાંખતા ઉગશે ફૂલનો છોડ. – પંકજ આહીર.

હાલ દેશમાં પર્યાવરણ શુદ્ધિકરણના મુદ્દે સરકાર લોકોને જાગૃત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, ત્યારે ઘણા લોકો પોતાના શુભ પ્રસંગોમાં પર્યાવરણ બચાવવાના સંદેશની સાથે લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસ કરતા હોય છે. સુરતના એક યુવકે એક એવી લગ્ન કંકોત્રી છપાવી છે કે, તે કંકોત્રી કુંડામાં મૂકી દેવામાં આવે અને તેના પર પાણી છાંટવામાં આવે તો તે કંકોત્રીમાંથી થોડા દિવસોની અંદર ગલગોટાના છોડ ઉગી નીકળશે.

રિપોર્ટ અનુસાર સુરતના ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતા અભિષેક ટાલીયાએ તેના લગ્નમાં પર્યાવરણને લઇને કઈ કરવાનો વિચાર આવ્યો હતો. એટલે અભિષેકે લગ્ન પ્રસંગમાં મહેમાનોને આમંત્રિત કરવા માટેની કંકોત્રીમાં ગલગોટાની બીજ સામેલ કર્યા છે. કંકોત્રી બનાવવાના કાગળની શીટમાં ગલગોટાના બીજ વચ્ચે રાખવામાં આવ્યા છે અને આ કાગળની શીટ બનાવવા માટે નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગ્ન પછી આ કંકોત્રીને એક કુંડામાં મૂકીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવશે તો તે કંકોત્રીમાંથી થોડા દિવસોની અંદર ગલગોટાનો છોડ ઉગી નીકળશે. અભિષેક ટાલીયાએ આ પ્રકારની કુલ 550 જેટલી કંકોત્રીઓ છપાવી છે.

આ બાબતે અભિષેકનું કહેવું છે કે, પર્યાવરણ પ્રત્યે યોગદાન આપવા માટે મને આ પ્રકારની કંકોત્રી બનાવવાનો વિચાર આવ્યો. ઘણા સમયની રીસર્ચ પછી મુંબઈમાં કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. પ્રેસ મશીન પર અલગ પ્રકારે બીબા સેટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના પર સ્ટેમ્પ મારીને આ કાગળ કાર્ડ તૈયાર થયું છે. આવનારીને પેઢીને પર્યાવરણની સમસ્યા સામે જજુમવું ન પડે તે માટે આ કંકોત્રી થકી મારો અને પરિવારનો વિચાર સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.