*📌ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓની પ્રામાણિકતાની અનોખી મિશાલ*

🔸ભરૂચ જિલ્લાની ગડખોલના ૧૦૮ સ્ટાફે રૂા દોઢ લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત કરી

 

🔸૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે

 

DATE: 27/11/2022

✍️ મનિષ કંસારા

ભરૂચ: ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાની ગડખોલની ૧૦૮ સ્ટાફે રૂા. દોઢ લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

આ રીતે ૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા ૧૦૮ ની ટીમ પૂરાં પાડી રહી છે.

 

આ કોરોનાને કપરાં સમયગાળામાં સતત વધતી જતી પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવાં માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેના દ્વારા તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાં મથતો હોય છે. આવી જ મહેનત દ્વારા માંડ કમાયેલાં રૂપિયા કોઇ લઇ જાય તો તેવા પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. આવો પરિવાર રોડ પર આવી જાય.

 

પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપાં કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને ભરૂચ જિલ્લાની ગડખોલની ૧૦૮ ટીમે કુદરતના દેવદૂત બનીને રૂા. દોઢ લાખ રકમ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી છે.

 

આ કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાની ગડખોલની ૧૦૮ ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ બપોરે 2 વાગ્યે આવ્યો હતો. જેમાં વાપી જિલ્લાનાં ધંધાદારી યુવાનને નિલેશ બ્રિજ, અંક્લેશ્વર પાસે આઈસર અને ટ્રક વચ્ચે ના અકસ્માત નડતાં યુવક બેભાન થઇ ગયો હતો.

 

આ અકસ્માતની ઘટનાની જાણ ભરૂચ જિલ્લાની ગડખોલની ૧૦૮ ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ૧૦૮ ના ઇ.એમ.ટી પિયુષ ચૌહાણ અને પાયલોટ જયદીપભાઈ મુનીયા ને આઈસર ના ડ્રાઇવર યુવાન બેભાન થયેલો જણાયો હતો.

 

વધુ તપાસ કરતાં આઈસર માંથી દોઢ લાખ જેવી મોટી રકમ તેમજ એક મોબાઈલ મળી આવ્યાં હતાં.

 

આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ જી.વી.કે. ઇ.એમ.આર.આઈ.ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ.

 

તેઓ બેભાન આઈસર ડ્રાઈવર યુવાન મુસ્તુફભાઈ પૂવાર ને તાત્કાલિક સારવાર માટે ગડખોલની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. અહીં દવાખાના ઉપર જ યુવકનાં પરિવારજનોનો વાપી સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ દોઢ લાખ રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.

૧૦૮ ના જિલ્લા અધિકારી ચેતન ગાધે તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ ની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓને નિષ્ઠાને પણ સો-સો સલામ…

#icmnews