જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે 59મી વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું.
જીએનએ જામનગર: તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે 59મી વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના એથ્લેટિક ગ્રાઉન્ડમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સની તમામ વિદ્યાશાખાઓને આવરી લેતી મહત્વની વાર્ષિક ઈવેન્ટ પરંપરાગત રીતે ધામધૂમ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી.
આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નેશનલ ડિફેન્સ કોલેજ, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હીના સિનિયર ડાયરેક્ટીંગ સ્ટાફ (નેવી) રિયર એડમિરલ ધીરેન વિગ, વીએસએમ, હાજર રહ્યાં હતા. તેમના આગમન પર સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર વાઇસ માર્શલ બી.વી. ઉપાધ્યાય, વી.એમ. પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ તકે સ્કૂલ સ્પોર્ટ્સ કેપ્ટન કેડેટ અખિલ પ્રતાપ સિંહે સ્વાગત પ્રવચન આપ્યુ હતું. મુખ્ય અતિથિએ વિજેતા કેડેટ્સને ઈનામો અને મેડલ તથા પ્રતાપ હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી જ્યારે ફ્રેશર્સ કેટેગરીમાં નેહરુ હાઉસને ટ્રોફી આપવામાં આવી હતી.
સરદાર પટેલ હાઉસના કેડેટ અમિત ગુજ્જર અને ટાગોર હાઉસના કેડેટ અનુરાગ સિંહ ધાકડે અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં શ્રેષ્ઠ એથ્લેટ ટ્રોફી જીતી હતી. આ પ્રસંગે સરદાર પટેલ હાઉસના કેડેટ અમિત ગુજ્જર અને ગરુડ હાઉસના કેડેટ શ્રેયાંશ પાંડેને અનુક્રમે વોલીબોલ અને બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ ખેલાડીની રામારાવ મેમોરિયલ ટ્રોફી આપવામાં આવી હતી. પ્રતાપ હાઉસના કેડેટ સચિન અને કેડેટ રૂદ્ર ચૌધરીએ અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં બેસ્ટ ફૂટબોલ પ્લેયરનો એવોર્ડ મેળવ્યો હતો જ્યારે આંગ્રે હાઉસના કેડેટ અમિત પરમારને બેસ્ટ હોકી પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો.
રંગારંગ સમાપન સમારોહમાં સ્કૂલ બેન્ડ ગૃપ દ્વારા રજૂ કરાયેલ તાલ પર આધારિત માર્ચ પાસ્ટનો સમાવેશ થાય છે, આ ઉપરાંત એરોબિક્સ, ગરબા અને હોર્સ રાઇડિંગ કૌશલ્યનું આકર્ષક પ્રદર્શન અને કેડેટ્સ દ્વારા ટેન્ટ પેગિંગ, ઑબ્સટીકલ જમ્પિંગ જેવા કરતબો કરવામાં આવ્યા હતા. આ વર્ષના માસ્કોટ ‘ફીનિક્સ’ એ બ્લેક નેક્ડ સ્ટોર્કનું અનાવરણ કેમ્પસની પ્રથમ મહિલા શ્રીમતી ગીતા મહેતા દ્વારા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિએ વિજેતાઓ, સહભાગીઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાં વિતાવેલા તેમના બાળપણના દિવસોની યાદો વાગોળી હતી. તેમણે કહ્યું કે રમતગમતની પ્રવૃતિઓ માત્ર શારીરિક અને માનસિક શક્તિનો જ વિકાસ કરતી નથી પરંતુ તે આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને એક અધિકારી તરીકેના ગુણો વિકસાવવામાં મદદ કરે છે. અંતે સ્કૂલ કેડેટ્સ કેપ્ટન રિષભ વાજાએ સૌનો આભાર માન્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ અવસરે સૈનિક સ્કૂલ એસોસિએશનના ઓલ્ડ બોય્ઝના સભ્યો, વાલીઓ, બાલનિકેતનના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.