*સુરતની પુણામાં આવેલ શાળામાં બનેલી ઘટના દુઃખદ – નિંદનીય: રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ*

*સુરતની પુણામાં આવેલ શાળામાં બનેલી ઘટના દુઃખદ – નિંદનીય: રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ*

ગાંધીનગર: સંજીવ રાજપૂત: સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં શિક્ષિકા દ્વારા એક બાળકીને માર મારવાની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે, આ ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી તાત્કાલિક શાળાએ જઈ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે. આ શાળા તથા જવાબદાર વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

 

રાજ્યના તમામ શિક્ષકોને ચેતવણી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય થવું ન જોઈએ અને જો આવું કાંઈ થશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આવી નિર્દયતા કયારેય સહન કરી લેવામાં નહિ આવે. આ પ્રકારના કૃત્યોથી વિદ્યાર્થીઓના માનસિક સંતુલન ઉપર ખૂબ ઉંડી અસર થાય છે. વાલીઓ પોતાના બાળકને આગામી સમયમાં દેશના સારા નાગરિક બની શકે તેવા હેતુથી શાળામાં મોકલતા હોય છે ત્યારે શિક્ષક દ્વારા આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ.

 

તેમણે ઉમેર્યું કે, શાળાના સીસીટીવી કેમેરામાં શિક્ષક દ્વારા કરવામાં આવતું કૃત્ય સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાની તપાસ કરવા માટે શિક્ષણાધિકારી તાત્કાલિક શાળાએ પહોંચી ગયા છે અને આ ઘટના અંગે સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવામાં આવશે અને જવાબદાર શિક્ષક વિરુદ્ધ પગલા ભરવામાં આવશે. આ પ્રકારની ઘટના રાજ્યની અન્ય શાળાઓમાં ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, આ પ્રકારની ઘટના કોઈ પણ નાગરિકના ધ્યાને આવે અથવા આસપાસના વિસ્તારની શાળાઓમાં થઈ હોય તેવી જાણ થાય તો તે સંદર્ભે તાત્કાલિક સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું છે.

……