‘‘આયુષ્માન’’ કાર્ડ થકી મારા બંને ઘૂંટણનું ઓપરેશન થઈ જતા હું ફરી હરતો ફરતો થયો છું – ધનજીભાઈ ગાજીપરા, નારણપર, લાભાર્થ
૦૦૦૦
અંદાજીત ૩ લાખના ઓપરેશની સારવાર તદન વિના મૂલ્યે મળતાં રાજયસરકારનું ઋણ અદા કરતા લાભાર્થી
ભુજ, મંગળવાર
મે મજૂરી કામ કરીને મારી આખી જિંદગી કાઢી છે, અત્યારે ૬૮ વર્ષની ઉંમરમાં મારા બંને ઘૂંટણ કામ કરતા બંધ થઇ જતાં હરવા ફરવામાં હું એકદમ લાચાર થઈ ગયો હતો. ૧૦૦ થી ૨૦૦ ફુટ ચાલતા જ મારે આરામ કરવો પડતો હતો. બીજી તરફ મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મારા બંને ઘૂંટણનું ઓપરેશન કરાવી શકું. ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા રૂા.૩ લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો. જે મારાથી ખર્ચી શકાય એમ ન હતા. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી કરાયેલી ‘‘આયુષ્માન કાર્ડ’’ની યોજના થકી આજે એકપણ રૂપિયાના ખર્ચ વગર હું બંને ઘૂંટણના સફળ ઓપરેશન કરાવીને હરતો ફરતો થયો છું, જે બદલ હું રાજયસરકારનો ઋણી છું, એમ ભુજ તાલુકાના નારણપર ગામના ધનજીભાઈ મનજીભાઈ ગાજીપરાએ ભુજ ખાતે આયોજીત જિલ્લા કક્ષાના આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
ધનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા બંને પુત્રો અલગ રહે છે અને મજૂરી કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. એટલા માટે તેઓ પણ મને આર્થિક રીતે મદદ કરી શકે તેમ ન હતા. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ ત્રણ લાખ જેટલો કહેતા મારા પગ નીચેની ધરતી ખસી ગઇ હતી. મે તો ઓપરેશન કરાવવાનું જ માંડી વાળ્યું હતું અને મનને સમજાવી લીધું હતું કે હવે કાયમી મારે પથારીમાં જ બેસીને રહેવું પડશે અને ઘરની બહારની જીંદગી હું નહીં જોઇ શકું. પરંતુ આ દરમિયાન ગામમાંથી મને આયુષ્માન કાર્ડ અંગેની માહિતી મળતા મે વહેલી તકે આ કાર્ડ કઢાવ્યું , જેમાં પણ મને કોઈ જાતની તકલીફ પડી ન હતી. એક માસ પૂર્વે જ મે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં બંને ઘૂંટણની સર્જરી કરાવી છે. હવે મારા બંને પગ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે અને આજે 68 વર્ષની ઉંમરે હું ફરીથી ચાલતો થયો છું. એ માત્ર ને માત્ર ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને આભારી છે. આયુષ્માન કાર્ડે મારા જેવા વૃદ્ધને પુન: નવજીવન આપીને લાચારીમાંથી ઉગારી લીધો છે. હું ગુજરાત સરકારશ્રીનો અને કેન્દ્ર સરકાર બંનેનો દિલથી આભાર માનું છું.
જિજ્ઞા વરસાણી