ઓલપાડનાં નવનિયુક્ત બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટર તરીકે બ્રિજેશ પટેલે પદભાર સંભાળ્યો

સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે છેલ્લાં 22 વર્ષોથી ફરજ બજાવતાં કર્મનિષ્ઠ શિક્ષક એવાં કિરીટભાઈ પટેલની વહીવટી ધારાધોરણ મુજબ પ્રતિનિયુક્તિ પૂર્ણ થતાં તેમનાં અનુગામીરૂપે માસમા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક બ્રિજેશ પટેલની વરણી થવા પામી છે.

બી.આર.સી. ભવન ખાતે નવનિયુક્ત બી.આર.સી. કો-ઓર્ડીનેટર તરીકેનો પદભાર સંભાળનાર બ્રિજેશ પટેલને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે સંઘનાં ઉપપ્રમુખ મહેશ પટેલ, ગિરીશ પટેલ, દેવાંગશુ પટેલ, નગીન પટેલ તથા નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ તેમજ સંઘનાં હોદ્દેદારો અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર મિત્રોએ ઉપસ્થિત રહીને તેમને આવકાર આપીને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં બ્રિજેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે કિરીટભાઈ પ્રગટાવેલી નવોન્મેષ શિક્ષણ જ્યોતને આપણે ખભેખભા મિલાવી પ્રજ્વલિત રાખવાનાં સંન્નિષ્ઠ પ્રયાસો કરતાં રહીશું અને તાલુકાનું નામ અગ્રસ્થાને બરકરાર રાખીશું.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી આ સાથે જિલ્લાનાં તમામ નવનિયુક્ત બી.આર.સી. તથા સી.આર.સી. કો-ઓર્ડીનેટર મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.