*36મી નેશનલ ગેમ્સ – અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે વિમેન ફૂટબોલ મેચનો પ્રારંભ*

જીએનએ અમદાવાદ: 36મી નેશનલ ગેમ અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે ૧લી ઓક્ટોબરથી વિમેન ફૂટબોલ મેચનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગોવા અને મિઝરોમ વચ્ચે રમાયેલી વિમેન ફુટબોલ મેચમાં ગોવાની ટીમનો વિજય થયો હતો. જયારે બીજી મેચમાં તમિલનાડુ અને મણીપુર વચ્ચે રમાયેલી મેચમાં મણીપુર ટીમ વિજય બની હતી.

 

વિમેન ફૂટબોલની પ્રથમ મેચની વાત કરવામાં આવે તો, પ્રથમ મેચ મિઝોરમ અને ગોવા વચ્ચે ૯.૩૦ કલાકે રમાઇ હતી.જેમાં કુલ બે ગોલ કરી ગોવાની ટીમ વિજય બની હતી. ગોવા ટીમના કેપ્ટન શિરવોઈકર કરિશ્માએ કહ્યુ કે, “હું મારી ટીમના પ્રયાસોથી ખૂબ સંતુષ્ટ છું. કોઈપણ મેચમાં પ્રથમ જીત ટીમનો મોરલ મજબૂત કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ”

જયારે બીજી મેચ બપોરે ૩.૩૦ કલાકે મણીપુર અને તામિલનાડુની ટીમ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં મણીપુર ટીમનો વિજય થયો હતો. મણીપુરની ટીમે હાલ્ફ ટાઈમ પહેલા જ ત્રણ ગોલ કરીને જીત તરફ આગેકૂચ કરી હતી.જ્યારે તમિલનાડુ દ્વારા આ સમય દરમિયાન માત્ર એક ગોલ થયો હતો. હાફ ટાઈમ બાદ પણ મણિપુરી ટીમના જીતના પ્રયાસો દ્વારા ફરી ગોલ થતા મણીપુરની કુલ ગોલ સંખ્યા પાંચ થઈ અને તમિલનાડુની ટીમ સામે વિજયી બની.

 

અમદાવાદના શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે ૧ લી ઑક્ટોબર થી 6 ઑક્ટોબર સુધી વિમેન ફૂટબોલની મેચ યોજાશે જયારે ફાઈનલ્સ મેચીસ ટ્રાન્સટેડિયા, કાંકરિયા ખાતે યોજાશે. મિઝોરમ, ગોવા, મણીપુર, તામિલનાડુ, ઓડીસા, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરેલા, પશ્ચિમ બંગાળ, પંજાબ, કર્ણાટકની ટીમો એક બીજાની સાથે ટકરાશે.

*******