અમદાવાદ ખાતે રાજ્યના રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
જીએનએ અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે
ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન “નો યોર એરફોર્સ” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 01 ઓક્ટોબર 2022ના રોજ આ પ્રદર્શનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં સશસ્ત્ર દળો અને રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળાઓ અને NCCના કેડેટ્સ પણ આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.
આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની વિવિધ અસ્કયામતો જેમ કે, એરક્રાફ્ટ, મિસાઇલો, શસ્ત્ર પ્રણાલીઓ, રડાર વગેરેનું સ્ટેટિક (અચલ) ડિસ્પ્લે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વ્હીકલ (ભારતીય વાયુસેનાની સમજ ધરાવતું વિશેષજ્ઞ વ્હીકલ) અને ફ્લાઇંગ સિમ્યુલેટર (એરક્રાફ્ટ ફ્લાઇંગનું ગેમિંગ કોન્સોલ) પણ વિદ્યાર્થીઓ/મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એરફોર્સ બેન્ડ દ્વારા આ કાર્યક્રમના તમામ દિવસો દરમિયાન પરફોર્મન્સ આપવામાં આવશે.
ભારતીય વાયુસેનામાં કારકિર્દીની તકો વિશે માહિતી આપતી પત્રિકાઓનું અહીં આવેલા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એરફોર્સ બેન્ડના સંગીતમય પરફોર્મન્સથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. અમદાવાદમાં એર કાર્ગો રોડ પર કમ્યુનિકેશન ફ્લાઇટ ખાતે યોજવામાં આવેલું આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022 દરમિયાન સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી સામાન્ય જનતા/મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.