જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત
_______________________________
ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રેખાબેન રણાનો વિદાય સમારંભ યોજાયો.
વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદયનાં માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. શિક્ષકની શાળા, સાથી શિક્ષક મિત્રો તેમજ બાળકો સાથે એટલી આત્મિયતા બંધાઈ જાય છે કે તેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે. આવો એક વિદાય સમારંભ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં યોજાયો હતો.
અત્રેની શાળામાં છેલ્લાં 35 થી ફરજ પરસ્ત શ્રીમતી રેખાબેન ખુમાનસિંહ રણા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર ઉપપ્રમુખ દેવાંગશુ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, નગરનાં અગ્રણીઓ ઉપરાંત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્થાનિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગતગીત તથા શોર્યગીત રજૂ કર્યા હતાં. શાળાનાં આચાર્ય દિનેશ પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં.
ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ હસ્તે શ્રીમતી રેખાબેનનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભનાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં શ્રીમતી રેખાબેનની ફરજનિષ્ઠાને બિરદાવી હતી. સાથે જ નિવૃત્તિ બાદ તેમનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કીમ વિભાગનાં તાલુકા પંચાયત સભ્ય સન્મુખભાઈ ઢીંમર, ગામનાં સરપંચ પ્રવીણભાઈ પટેલ તથા દાતા શૈલેષભાઈ પટેલે પોતપોતાનાં ઉદબોધનમાં શ્રીમતી રેખાબેનની યશસ્વી કારકિર્દીને ઉજાગર કરી હતી.
વિદ્યાર્થીઓએ પણ પોતાનાં અભ્યાસકાળ દરમિયાનનાં ખાટા મીઠા સંસ્મરણો વાગોળી પ્રેરણાસ્ત્રોત શિક્ષિકા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમનાં માનમાં શાળાનાં ઉપશિક્ષક અશોક પટેલે સ્વરચિત કાવ્ય રજૂ કરતાં વિખૂટાં પડવાનાં સમયે વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.
વિદાય રહેલ શ્રીમતી રેખાબેને પોતાનાં પ્રતિભાવમાં ફરજ દરમિયાનનાં સુખદ પ્રસંગો, સંગઠનની કામગીરી, દાતાઓની સખાવત ઉપરાંત વાલીઓનાં સહયોગને વાગોળ્યો હતો. આ વિદાય પ્રસંગે તેમણે શાળાનાં તમામ 700 થી વધુ બાળકો માટે સાત્વિક ગુજરાતી ભોજનની સુંદર વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી નીશાબેન પાટણવાડીયાએ કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.