જૂનાગઢ રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થાન પંચના ચેરમેન સાથે જિલ્લા લઘુમતી શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો સાથે બેઠક યોજાણી
લઘુમતી શિક્ષણ સંસ્થાના પ્રશ્નો, રજૂઆતો અને નવી શિક્ષણ નીતિ બાબતે સમીક્ષા કરવામાં આવી
જૂનાગઢ રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થાન આયોગના ચેરમેન ન્યાયાધીશ નરેન્દ્ર જૈન આજે લઘુમતી શિક્ષણ સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે લઘુમતી સમાજના પ્રશ્નો – રજૂઆતો તેમજ નવી શિક્ષણનીતિ અંગે ચર્ચા કરી હતી.
આ તકે ચેરમેન નરેન્દ્ર જૈન દ્વારા જણાવાયું હતું કે નવી શિક્ષણનીતિ ૨૦૨૨ સ્વામી વિવેકાનંદ ના વિચારોથી પ્રેરિત છે. નવી શિક્ષણનીતિ રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં ઉપયોગી બનશે. વધુમાં શિક્ષણ સંસ્થામાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો. નવી શિક્ષણનીતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક ભાષા પર પણ પ્રાધાન્ય અપાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિ ગ્રેડિંગ આધારિત હશે.સંસ્થાઓમાં ઈનફ્રાસ્ટ્રક્ચર,રિઝલ્ટ સહિતના મુદ્દાઓના આધારે ફી નું ધોરણ નક્કી થશે.
લઘુમતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે બાળકોને મુખ્ય ધારામાં લાવવામાં પણ ધ્યાન આપે એ જરૂરી છે.તેમજ તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં લઘુમતીઓનું યોગદાન ખૂબ મોટું છે.
આ તકે કમિશનના સચિવ કેજરીવાલ એ કમિશનની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.આ મિટિંગમાં નાયબ નિયામક વિકસતી જાતિ જૂનાગઢ જિલ્લા કચેરીના એ.ટી.ખમળે બેઠકનું સંચાલન કર્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લામાં લઘુમતી માટે થતી કામગીરીની વિગતો થી સૌને અવગત કરાવ્યા હતા.
આ તકે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયા, જૂનાગઢ એસડીએમ ભૂમિ કેશવાલા, જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પા ક્યાડા, જિલ્લાની વિવિધ શિક્ષણ સંસ્થાઓના પ્રિન્સિપાલ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શૈલેષ પટેલ……. જૂનાગઢ