વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાનશ્રીએ સ્મારકની વિવિધ ગેલેરીઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું: ૫૦ ચેકડેમના પ્રોજેક્ટની મુલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ભુજ,રવિવારઃ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ના ભુકંપમાં દિવંગત થયેલાં લોકોની સ્મૃતિમાં ભુજીયા ડુંગર ખાતે બનાવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. રૂ. ૩૭૫ કરોડના ખર્ચે ૧૭૫ એકરમાં આકાર પામેલા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરી વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સાથે મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી.
તેમણે પૃથ્વીનું સર્જન અને તેની રચનાના તબક્કા, ભૂકંપ સહિતની કુદરતી આપદાઓના ઉદભવ અને અસરો, બચાવની પ્રયુક્તિઓ, આપદાઓ બાદ પુનનિર્માણ સહિતની બાબતોની સમજણ આપતી ગેલેરીઓનું નિરીક્ષણ કરીને પ્રદર્શિત માહિતી, મોડેલ્સ અને પ્રસ્તુતિઓ નિહાળી હતી. પ્રધાનમંત્રીશ્રીએ આદિ શંકરાચાર્યના શ્લોક “સમ્યક સરતી ઇતિ સંસાર….”ના ભાવ પર આધારિત ભૂકંપ સંગ્રહાલયના સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.
આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિવનમાં નિર્માણાધીન ૫૦ ચેકડેમ પૈકી અંજાર -૮ચેકડેમની મુલાકાત લીધી હતી. અહીંના વિવિધ ચેક્ડેમની દીવાલો પર નેમ પ્લેટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨,૯૩૨ સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિ અમર કરવામાં આવી છે. આવી કુલ ૧૦૨૦ નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત છે.
ચેકડેમની મુલાકાત બાદ સન પોઇન્ટ પર જઇ બે દાયકામાં નવ નિર્માણ પામેલા ભુજનું વિહંગાવલોકન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ૩ લાખથી વધુ વૃક્ષો સહિત મિયાવાકી વન અને ૧૦.૨ કિ.મી.નો પાથ-વે તેમજ ૩ એમીનીટીઝ બ્લોક, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટના સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડની સુવિધાઓ પણ પ્રધાનમંત્રીશ્રીએ લોકાર્પિત કરી હતી.
આ અવસરે મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
૦ ૦ ૦ ૦ ૦