ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે તંત્ર સજજ

ગુજરાત માહિતી બ્યૂરો
જિલ્લા માહિતી કચેરી,પાલનપુર
૬માર્ચ ૨૦૨૦ સમા.સંખ્યાનં.૧૩૫
ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે
પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે તંત્ર સજજ

કોરોના વાયરસના ચેપથી બચવાના સરળ ઉપાયો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સુચવેલ ઉપાયો
(માહિતી બ્‍યુરો પાલનપુર)
ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે રાજ્ય સરકાર પૂરતી દવાઓ અને અધતન સારવાર સુવિધાઓ સાથે સજજ અને સજાગ છે. અત્‍યાર સુધી રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ રોગના સામના માટે આઇસોલેશન વોર્ડ સહીત જરૂરી તમામ સુવિધાઓ પુરતા પ્રમાણમાં કરવામાં આવી છે તેમજ ઉચ્ચ કક્ષાએથી આ અંગે ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સુચવેલ ઉપાયો નીચે પ્રમાણે છે.
આહાર-વિહારના સૂચનો
આહાર :
– ઘરનો સાત્વિક , સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લઇએ. બાળકો, વડીલો અને મહિલાઓની વિશેષ કાળજી લઇએ.
– વાસી ખોરાક , આથાવાળી વસ્તુ , મેંદાની બનાવટ , દહીં , દુધની બનાવટ , જંકફૂડ , ઠંડા પીણા અને ફ્રીજનું પાણી પીવુ નહી.
– વિરુધ્ધ આહારનું સેવન ન કરવું . તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી.
– મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પરિવારના સૌ સભ્‍યો સાથે લઇએ.
– શાકભાજીમાં કારેલા, પરવર, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવા.
– પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના લઇએ.
– ફળમાં પપૈયા , દાડમ , આમળા જેવા ફળ લઇએ.
– પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.
– ઇંડા તેમજ માંસાહાર ખાવાનું ટાળવું.
વિહાર :
– ઘરની આસપાસ અને વ્‍યક્તિગત સ્‍વચ્‍છતા સારી રીતે રાખીએ.
– ભીડભાડવાળી જગ્યાએ બિનજરુરી ના જઇએ. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
– શરદી ખાંસીના દરદીઓથી દુર રહેવું. હાથને સાબુથી ધોઇ સ્‍વચ્‍છ રાખવા તેમજ આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો. બહારથી આવીને સાબુથી હાથ ધોઇએ.
– હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરીએ.
– હળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.
– દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવું.
– જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લઇએ.
– દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી . તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી.
– સવારમાં નાકમાં નવસેકા તલના તેલના બે બે ટીપા નાખવા. અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
– સંધ્યાકાળે ઘરમાં ( સલાઇ ગુગળ, ઘોડાવજ, સરસવ, લીમડાના પાન અને ગાયના ઘી ) નો ધૂપ કરવો.
– ઉકળતા પાણીમાં અજમો નાખીને નાસ લેવો.
આયુર્વેદ પધ્ધતિ દ્રારા રક્ષણાત્મક ઉપાય :
(૧) તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
(૨) સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી ( અથવા સૂંઠ ૨ ચમચી ) ને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું . જરુરીયાત મુજબ નવસેકું પીવું.
(૩) સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રા, સરસવ – ૧૦ ગ્રા, લીમડાના પાન – ૧૦ ગ્રા, અને ગાયના ઘી – ૨૦ ગ્રા, મિશ્રણ બનાવી એક ચમચીનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
(૪) ક્વાથ : પથ્યાદીક્વાથ+દશમૂલ ક્વાથ+નિમ્બતૂક : પ્રક્ષેપ ત્રિકટુ
હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો :
– આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. –
જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી.