જામ્યુકો દ્વારા શહેરની સુખાકારી માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક મળી

 

 

જીએનએ જામનગર:જામનગર મહાનગરપાલિકામાં માનનીય કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા તથા માનનીય કમિશનરશ્રી વિજયકુમાર ખરાડી સાહેબ ના અધ્યક્ષ સ્થાને શહેરની સુખાકારી માટેના લગત પ્રશ્નોની ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ ખાસ બેઠકમાં જામનગર શહેર ને લગતી ભૂગર્ભ ગટર ની સમસ્યાઓ ,સ્ટ્રીટ લાઈટ ,પાણી વિતરણ, બિસ્માર માર્ગો જેવા પ્રશ્નોની જામ્યુકોના અધિકારીઓ સાથે વિચારણા કરી તાકીદે શહેર ના વિકાસ ને લગત સમસ્યાઓનું નિરાકરણ થાય તેવા સૂચનો પાઠવવામાં આવ્યા હતા.

 

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં મળેલી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતા માં આ ખાસ બેઠકમાં શહેરના સંગમ પાર્ક વિસ્તારમાં રસ્તા પર ઉગેલા બિનજરૂરી બાવળને દૂર કરવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા તથા પ્રાઇવેટ પ્લોટ માં આવતા બિનજરૂરી બાવળો ને દુર કરવા માટેની નોટિસો પાઠવવા સોલિડવેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી મુકેશ વરણવા ને સૂચના આપવામાં આવી હતી, શહેરના ખીમલીયા, પેટાપરા, વોર્ડ નંબર 11 ના વિસ્તારો તેમજ વોર્ડ નંબર 6ના વિસ્તારો તિરૂપતિ સોસાયટી પુષ્પા પાર્ક, સંગમ સોસાયટી સહિતના વિસ્તારોમાં નર્મદાનું પાણી સુચારુ રીતે પહોંચે તથા પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટેના વોટર વર્કસ વિભાગના નાયબ ઇજનેર શ્રી નરેશ પટેલ ને સૂચના આપવામાં આવી હતી , શહેરના વોર્ડ નંબર 6 માં સ્ટ્રીટલાઇટના પ્રશ્નો તથા નવા વીજપોલ ઊભા કરવા તેમજ નવી સ્ટ્રીટલાઇટો જરૂરિયાત મુજબ નાખવા માટેની સુચના લાઈટ શાખાના નાયબ ઈજનેર શ્રી ઋષભ મહેતાને શહેરીજનોની સુખાકારી માટે પૂરતી સ્ટ્રીટલાઇટની સગવડ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી, તેમજ વોર્ડ નંબર 6 અને દરેડ થી ચેલા સુધીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી તૂટેલી અવસ્થામાં હોય જેના લીધે ગંદકી થતી હોય તેવા વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના નવા પાઇપ નાખવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર શ્રી મુકેશ ચાવડાને સુચના આપવામાં આવી હતી.

 

આ ખાસ બેઠકમાં dhichada ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં 15 ટ્રેક્ટર મોરમ તાત્કાલિક નાખી આપવા તેમજ દરેડ ગામમાં પ્રાથમિક શાળા નંબર -1 પાસેનો રસ્તો તાત્કાલિક ધોરણે પાક્કો બનાવવા અને ચેલા વિસ્તારમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાનું બાંધકામ આવશ્યકતા ને ધ્યાને લઇ તથા વોર્ડ નંબર 6 માં સી.સી. રોડના બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા અને ધુવાવ ગામ ની હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાઓ નવા બનાવી આપવા સહિતની જનતાની સુખાકારી માટેના કાર્યો કરવાની સુચના સિવિલ શાખાના ઇજનેર શ્રી હિમાંશુ જેઠવાને આપવામાં આવી હતી.

 

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં મળેલી કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથેની આ ખાસ બેઠક બાદ માનનીય કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા વિવિધ વિભાગીય અધિકારીઓને શહેરની સુખાકારી માટે ના કાર્યો તાકીદે પૂર્ણ કરવા ના સુચનો આપવામાં આવ્યા હતા. તેમ JMC ના મીડિયા ઇન્ચાર્જ પત્રકાર અમૃતા ગોરેચા એ એક યાદીમાં જણાવ્યું છે.