*સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અકલ્પનીય સિધ્ધી*

……………

*અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને નાના આંતરડાનું અંગદાન મેળવીને રીટ્રાઇવ કરવામાં બીજી વખત મળી સફળતા : ગુજરાતમાં બીજો કિસ્સો*

…………………………

*નાના આંતરડાની “શૉર્ટ બૉવેલ સિન્ડ્રોમ” નામની બિમારીમાં પ્રત્યારોપણ જ એકમાત્ર વિકલ્પ :- સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી*

*“શૉર્ટ બૉવેલ સિન્ડ્રોમ” થી પીડાતા દર્દીને જીવનભર નસ મારફતે પોષક તત્વો ટોટલ પેરેંટરલ ન્યુટ્રીશન (TPN) આપવાની ફરજ પડે છે- ડૉ‌.નિલેશ કાછડીયા*

……………

*સૌરાષ્ટ્રના ૪૮ વર્ષીય પુરુષ અંગદાતાના ‘નાના’ આંતરડાના અંગદાનથી મહારાષ્ટ્રના ૪૦ વર્ષના પુરુષ દર્દીને ‘લાંબુ’ પીડામુક્ત જીવન…..*

 

************************

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞએ વેગ પકડ્યો છે. જીવંત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અને અંગોની ખોડખાપણ કે તકલીફથી પીડાતા દર્દીને નવજીવન મળી રહે તે માટે બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળતા અંગોની મદદથી અનેક લોકોને નવજીવન આપવામાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના આ સેવાયજ્ઞમાં વધુ એક અકલ્પનીય સિધ્ધી ઉમેરાઇ છે. ૧૬મી ઓગસ્ટની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના ૪૮ વર્ષીય બ્રેઇનડેડ યુવકના (નામ ન આપવા વિનંતી કરવામાં આવી છે) અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સમગ્ર ગુજરાત માટે આ બીજો કિસ્સો છે.

 

આ યુવકને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ૧૪ મી ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ૧૬ મી ઓગસ્ટની રાત્રીએ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

યુવકના પરિવારજનોને બ્રેઇનડેડ થયાની જાણ થતા તેઓએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો. જેના પરિણામે યુવકના શરીરના અંગોના રીટ્રાઇવલ કરતા બંને કિડની, એક લીવર અને નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

સૌરાષ્ટ્રના ૪૮ વર્ષીય પુરુષ અંગદાતાના નાના આંતરડાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે ગણતરીની મીનિટોમાં પહોંચાડીને ૪૦ વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને લાંબુ પીડામુક્ત જીવન આપવામાં સફળતા મળી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ નાના આંતરડાનું દાન કેટલું મહત્વનું છે તેની વિગતવાર માહિતી આપી છે….

અંગદાનમાં મળતા તમામ અંગોમાંથી નાનું આંતરડું કેમ મહત્વનું છે આવો જાણીએ….

નાનું આંતરડું શરીરમાં થતી પાચન ક્રીયામાં અતિમહત્વનું કાર્ય કરતુ અંગ છે. મોટા આંતરડા કરતાં સાંકડા હોવા છતાં, તે વાસ્તવમાં પાચન નળીનો સૌથી લાંબો વિભાગ છે, જે સરેરાશ ૨૨ ફૂટ (અથવા સાત મીટર) લંબાઇ અથવા આપણા શરીરની લંબાઈ કરતાં સાડા ત્રણ ગણી લંબાઇ ધરાવે છે..

નાના આંતરડાનું કાર્ય જઠર માંથી આવતા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરવાનું તેમજ ખોરાકમાંથી પોષક તત્ત્વો (વિટામિન્સ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન) અને પાણીને શોષવાનું છે જેથી શરીર તેનો ઉપયોગ કરી શકે. નાનુ આંતરડુ સ્વાદુપિંડ, યકૃત અને આંતરડાના પાચક રસ સાથે ખોરાકને મિશ્રિત કરે છે અને વધુ પાચન માટે મિશ્રણને આગળ ધકેલે છે. નાના આંતરડાની દિવાલો લોહીના પ્રવાહમાં પાણી અને પચેલા પોષક તત્વોને શોષી લે છે.

ઘણાં દર્દીઓના નાના આંતરડામાં ચેપ, સોજો, ઇજા, આંતરડાના ભાગને લોહી પહોંચાડતી ધમનીમાં અવરોધના કારણને ગેંગ્રીન થવાથી, મીસેંટ્રીક ફેટ, કેન્સર, ટ્વિસ્ટેડ આંતરડાનો લૂપ (વોલ્વ્યુલસ ) તથા જન્મજાત ખામીઓ ના કારણે નાના આંતરડાના મોટા ભાગને સર્જિકલ રીતે દૂર કર્યા પછી શોર્ટ બોવેલ સિન્ડ્રોમ ની તકલીફ થતી જોવા મળે છે.

સિવિલ હોસ્પિટલમા અંગદાનના રીટ્રાઇવલમા ચાવીરુપ ભૂમિકા અદા કરતા અને અંગદાન ક્ષેત્રે ખંતથી કાર્યરત ડૉ. નિલેશ કાછડીયા નાના આંતરડાની બીમારી શૉર્ટ બૉવેલ સિન્ડ્રોમ વિષે જણાવે છે કે, આ બીમારીના દર્દીઓ શરીરમાં જે ખોરાક લે છે તેમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને પાણી શરીર માં શોષાતું નથી જેથી આ બધા પોષક તત્વો ની ઉણપ સર્જાય છે. આવા દર્દીઓને જીવનભર નસમાં પોષક તત્વો ટોટલ પેરેંટરલ ન્યુટ્રીશન (TPN) આપવા પડે છે. જેમાંથી ઘણા દર્દીઓ ને લાંબા ગાળે TPN સહન કરી શકતા નથી.ખરા અર્થમાં આ સારવાર પધ્ધતિ અત્યંત ખર્ચાળ પણ હોય છે. આવા દર્દીઓનું જીવન લાંબુ ટકી શકતુ નથી.

નાના આંતરડાનું પ્રત્યારોપણ આવા લોકો માટે એકમાત્ર વિકલ્પ છે જેના દ્વારા પીડીત દર્દીને નવજીવન મળી શકે છે.

…………………………