*”આઝાદ” ભારતની ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘અમદાવાદના ૩૮ વર્ષીય બ્રેઇનડેડ પુરુષ’ના હ્રદયના દાનથી ‘પાટણના ૩૮ વર્ષીય પુરૂષ’ વર્ષોની પીડામાંથી ”આઝાદ” થયા…*

*૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિત તરુણભાઇ શાહનું અંગદાન*

……………………

*હ્રદય અને બે કિડનીનું દાન મળ્યું : અંગદાનમાં મળતા ૯ અંગોમાં હ્રદયનું દાન સૌથી મહત્વનું*

………………

*કિડની અને લીવર જીવીત વ્યક્તિ પણ દાન કરી શકે છે જ્યારે હ્રદય, ફેફસા જેવા અંગોનું દાન બ્રેઇનડેડ બાદ જ શક્ય બને છે*

………………………….

*સિવિલ હોસ્પિટલમાં ૮૩ અંગદાનમાં ૨૨ હ્રદયનું દાન મળ્યું જેણે સફળતાપૂર્ણ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરીને મોતના મુખમાંથી ઉગારવામાં આવ્યા છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી*

……………………………….

સમગ્ર દેશ જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ અને ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાંતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બ્રેઇનડેડ અમિત તરુણભાઇ શાહના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય અમિતભાઇ શાહ ઉંચાઇ પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના તબીબો જ્યારે તેમના બ્રેઇનડેડ શરીરમાંથી અંગોના દાન માટે રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ ગયા અને અંદાજીત ૭ થી ૧૦ કલાકની મહેનત અને ભારે જહેમતના અંતે હ્રદય અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી.

અત્રે નોંધનીય છે કે, બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હ્રદય, ફેફસા, નાનું આંતરડુ જેવા અંગોનું દાન મળવું તબીબી જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે.

કારણે કે અંગદાનમાં મળતા ૯ અંગોમાંથી કિડની, લીવર જીવીત વ્યક્તિ પણ દાન કરી શકે છે પરંતુ હ્રદય , ફેફસા જેવા અંગો બ્રેઇનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે.

તેમાં પણ ખાસ કરીને હ્રદયને અન્ય અંગોની સાપેક્ષે અતિમહત્વનું માનવામાં આવે છે. જેને ગણતરીના ૪ થી ૫ કલાકમાં જ રીટ્રાઇવ કર્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડટ પણ જણાવે છે કે, અંગદાનના સર્વે અંગોમાંથી હ્રદય અતિમહત્વનું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ કુલ ૮૩ અંગદાનમાં ૧૩૬ કિડની, ૭૦ લીવર મળ્યા છે પરંતુ હ્રદયનું દાન મેળવવામાં ૨૨ કિસ્સામાં સફળતા મળી છે.

આના પરથી સમજી શકાય કે ૨૨ હ્રદયનું દાન મળવું પણ પોતાનામાં એક આગવી સિધ્ધી છે. જે અમારા તબીબોની ભારે જહેમત અને કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ અમિતભાઇ શાહના મળેલા હ્રદયના દાનને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ શહેરની સિમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ.

સિમ્સ હોસ્પિટલના સર્જન ડૉ. ધિરેન શાહ પ્રત્યારોપણ થયેલ દર્દીની વિગતો આપતા જણાવે છે કે, અંગદાનમાં મળેલા હ્રદયને પાટણના ૩૮ વર્ષીય પુરૂષ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ૫ કલાકની અત્યંત જટીલ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં અમને સફળતા મળી છે.

દર્દી ઘણાં લાંબા સમયથી હ્રદયની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા દર્દીને આ પીડામાંથી ઉગારવા અને પ્રત્યારોપણ માટે ઘણી સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

………………………………