જૂનાગઢ માણાવદર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ
મુખ્યમંત્રીના રાજયકક્ષાના વન મહોત્સવના કાર્યક્રમનું થયુ જીવંત પ્રસારણ
રોપા વિતરણ – વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયાઃ મહાનુભાવો દ્વારા ઓક્સિજન રથનું પ્રસ્થાન કરાવાયું
જૂનાગઢ ગુજરાત હરિયાળુ બને તે માટે પ્રતિ વર્ષ વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન મહોત્સવના કાર્યક્રમની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ખાતે પણ વન વિભાગ દ્વારા ૭૩ માં વન મહોત્સવ કાર્યક્રમની જિલ્લાકક્ષાની ઉજવણી જે.એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજ, માણાવદર ખાતે જિલ્લા પંચાયત, પ્રમુખ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.પાનેરા કોલેજના પ્રીન્સીપાલ મૈતર, માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઇ. નાયબ વન સરક્ષક જુનાગઢ ડો.એસ.કે. બેરવાલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યુ હતું.
આ તકે રાજ્યકક્ષાની ઉજવણી સુરેદ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ધોળીધજા ખાતે મુખ્યમંત્રીના વરદ હસ્તે વટેશ્વર વનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.જેનું જીવંત પ્રસારણ થયું હતું.જેમાં વન મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજય કક્ષા વન મંત્રી જગદિશ વિશ્વકર્મા વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત આદિત્ય સ્કુલ, માણાવદરની વિધાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના નોડલ ઓફિસર અને મદદનીશ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ, જામવાળા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ ગીર, સોમનાથ વતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યુ હતું. મહાનુંભાવોનું સ્વાગત તુલસીના રોપા આપી કરવામાં આવ્યુ હતું.
તમામ મહાનુભાવો દ્વારા નિયત કરેલ સ્થળે બહેડા, અરીઠી, પારીજાત, કરંજ, સપ્તપણી, બોરસલી વગેરે જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ હતું. ૭૩ માં વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ એક હજાર રોપાનું વાવેતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યુ હતું. સમગ્ર જિલ્લામાં કુલ ૬૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તકે ઓક્સિજન રથ પ્રસ્થાન પણ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ.ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં માણાવદરના નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ગોર, માણાવદર મામતલદાર મોરૂ, જે.એમ.પાનેરા કોલેજ માણાવદરના જેઠાભાઇ પાનેરા, સરપંચ જયશ્રીબેન ઝલુ, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
શૈલેષ પટેલ……. જૂનાગઢ