કંઝાલ ગામે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ-૨૦૨૨ યોજાયો :

સાંસદના હસ્તે ધોરણ -૧ ના ૩૮ બાળકોને શાળા પ્રવેશ :

૨ આંગણવાડીના ૫૧ ભૂલકાંઓને અપાવ્યો પ્રવેશ

રાજપીપલા,

સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં બુધવારથી પ્રારંભ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ– ૨૦૨૨ ના બીજા દિવસે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કંઝાલ ગામે દિપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ શામળદાસ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ફતેસિંહ વસાવા, બિટ નિરિક્ષક જસવંતભાઈ વસાવા, સ્થાનિક આગેવાન રણજીતભાઈ ટેલર સહિત ગામના આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કંઝાલ ગામની બે આંગણવાડીના ૫૧ અને ધોરણ -૧ માં ૩૮ મળી કુલ- ૮૯ બાળકોને ચોકલેટ આપી મોંઢુ મીઠું કરાવી દફ્તર અને પાઠ્યપુસ્તકો આપી ભુલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તબક્કે સાંસદે શિક્ષણનું મહત્વ સમજાવતા શાળામાં દાખલ થયેલા આ તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી ખેવના વ્યક્ત કરી બાળકોના શિક્ષણ માટે વાલીઓને જાગૃત થવા હાકલ કરી હતી.
શાળા પ્રવેશોત્સવનું મહત્વ શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી વાલીઓને સંબોધતા સાંસદે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ કન્યા કેળવણી ઉપર સતત ભાર મૂકતા આવ્યા છે, ત્યારે બાળકોમાં રહેલી અનેક ખૂબીઓ અને વિવિધ પ્રકારની શક્તિને ખિલવવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. તેનું મહત્વ વાલીઓ સમજે તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન ગામેગામ કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં વાલીઓ પણ ઉપસ્થિત રહે તો શિક્ષણ વિશે વધુને વધુ જાગૃતિ કેળવી શકાય અને બાળકોને સાચી દિશામાં શિક્ષણ પુરૂં પાડવામાં શિક્ષકો સાથે વાલીઓ પણ સહભાગી બની શકે તેમ તેમણે ઉમેર્યું હતું.
સાંસદે વધુમાં ઉમેર્યું કે, કંઝાલ જેવા ગામના ગરીબ બાળકોને ભવિષ્યમાં સારું શિક્ષણ મળી રહે, તમામને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે વાલીઓએ પણ ખૂબ જ કાળજી રાખવી પડશે. બાળપણથી જ વાલીઓ જેવી ટેવ પાડશે તેવી જ રીતે બાળકો આગળ વધશે. તેના માટે ગામની શાળામાં ચાલતી SMC અત્યંત મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. માત્ર એટલું જ નહીં પણ બાળકોમાં સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવશે તો ગામડાઓના વિકાસમાં આવતી ત્રૂટિઓને પણ સરળતાથી દૂર કરી શકાશે. સરકાર બાળકોને સારું શિક્ષણ આપવા માટે અનેક આનુસંગિક પ્રકલ્પો અને યોજનાઓ પણ ચલાવે છે.
આ કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે શાળામાં શિક્ષણ અને શાળાકિય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાંસદ પોતાના ગામમાં આવ્યા હોવાથી તેમનો આભાર વ્યક્ત કરી પુસ્તક ભેટ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે સાંસદના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
હતુ.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા