રાજકોટમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સને 66.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પડતી એસઓજી.

રાજકોટ: રાજકોટ શહેરમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા કે હેરાફેરી કરતા શખ્સોને પકડવાની ઝુંબેશ વચ્ચે સ્પે.ઓપરેશન ગ્રૂપે એક શખ્સને મેફેડ્રોન સાથે ઝડપી લીધો છે.

રાજકોટ મનહર પ્લોટ-2માં પાવન-2 કોમ્પ્લેક્સમાં રહેતો યોગેશ હસમુખ બારભાયા નામનો શખ્સ માદક દ્રવ્યોનું વેચાણ કરતો હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.દરમિયાન ગત રાત્રીના માહિતી મુજબ યોગેશ બારભાયા ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ કરી ખરાઇ કરી હતી. બાદમાં પોલીસે તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા અંદરથી કોથળીમાં શંકાસ્પદ દ્રવ્ય મળી આવ્યું હતું. જેથી પોલીસે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી શંકાસ્પદ દ્રવ્યની ખરાઇ કરતા તે મેફેડ્રોન (એમડી) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેનું વજન કરતા મેફેડ્રોન 66.90 ગ્રામ થયું હતું. જેની બજાર કિંમત રૂ.6.69 લાખ થાય છે.પોલીસે યોગેશ પાસેથી મેફેડ્રોન, મોબાઇલ, રોકડા રૂ.3020 મળી કુલ રૂ.6.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આરોપી યોગેશને મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. માનવ જિંદગીને બરબાદ કરતા એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા યોગેશની પૂછપરછ કરતા તે હેન્ડિક્રાફ્ટનો વેપાર કરે છે. પત્નીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં તેની ધરપકડ બાદ જેલહવાલે કર્યો હતો.દરમિયાન તે ત્રણ મહિના પહેલા જેલમાંથી બહાર આવ્યા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તે મેફેડ્રોન ડ્રગ્સ લઇ આવ્યો હોવાનું રટણ રટ્યું હતું. પોતાને પણ નશો કરવાની ટેવ હોવાનું તેમજ તે વેચાણ કરતો હોવાની પણ કેફિયત આપી છે. યોગેશ બારભાયાની કેફિયત બાદ તે રાજકોટમાં ડ્રગ્સ કોને કોને પૂરું પાડે છે, તેના પેડલર તરીકે કોણ કોણ કામ કરે છે, તે સહિતની વિગતો બહાર લાવવા એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.