ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા મહિલા સશક્તિકરણ પહેલના ભાગરૂપે ઉદ્યમશીલતા જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન

અમદાવાદ: ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ અમદાવાદની સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) વિકાસ સંસ્થા સાથે સંકલનમાં 01 જૂન 2022ના રોજ અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે ઉદ્યમશીલતા પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને સૈનિકોની ધર્મપત્નીઓને MSME પરની વિવિધ સરકારી પહેલો વિશે જાણકારી આપીને તેમના સમાવેશી અને સ્થિતિસ્થાપક વિકાસ માટે અનુકૂળ સ્થિતિનું સર્જન કરવા માટે તેમને સશક્ત બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 125 જવાનોની ધર્મપત્નીએ ભાગ લીધો હતો. આ એક ઇન્ટરએક્ટિવ સત્ર હોવાથી, વિવિધ ઉભરતી અને રસ ધરાવતી મહિલા ઉદ્યોગસાહસિકોને વિવિધ પ્રક્રિયાઓ અને પ્રોસેસ વિશે તેમના મનમાં સ્પષ્ટતા લાવવા માટે એક અનોખી તક પૂરી પાડવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં જાગૃતિના પ્રયાસો ઉપરાંત, અહીં ભાગ લેનારી મહિલાઓને વિવિધ સફળ મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની સફર વિશે સમજણ આપીને તેમને ઉદ્યમ નોંધણી દ્વારા સશક્તિકરણની આ સફરમાં પહેલું ડગલું ભરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવાએ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના નાયબ CEO શ્રી સંજય હેદાઉ અને MSME-DI, અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી વિકાસ ગુપ્તાના નેતૃત્વમાં ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી.