ઉનાળાની ધગધગતી ગરમીમાં નિષવાર્થ અને નિઃશુલ્ક ઠંડી છાશ પીવડાવી રાહદારીઓની તરસને તૃપ્ત કરતું જામનગર મિત્ર મંડળ

જામનગર: હાલના ઉનાળાના દિવસોમાં સૂર્યદેવ પૂર્ણ તેજ સાથે પોતાનો તેજ વિખેરીયા રહ્યા છે અને દિવસે દિવસે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે રોજીંદા જીવનમાં રોજીંદું કમાતા શ્રમિકો આ અસહ્ય ગરમીમાં પણ પોતાના કામ દ્વારા પેટનો ખાડો પુરવા માટે મેહનત કરવા કટિબદ્ધ રહેતા હોય છે.

જામનગરમાં ઉનાળાની ધગધગતી ગરમીમાં રાહદારીઓ અને રોજીંદુ કમાતા લોકો એ પછી કોઈ પણ ધર્મના હોય અને કોઈ પણ જાતિના ભેદભાવ વિના તેમને નિષવાર્થ, નિઃશુલ્ક ઠંડી છાસ પીવડાવી તરસને તૃપ્ત કરતું જામનગર મિત્રમંડલ અનોખી સરાહનીય સેવા પૂરું પાડી રહ્યું છે જે ખરેખર પ્રશ્શનિય કહી શકાય.

જામનગરના સત્યનારાયણ મંદિર પાસે આવેલ મિત્ર મંડળના સભ્યો દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત આ આખા ઉનાળાની સીઝનમાં રાહદારીઓ માટે રોજ 25 કિલો દહીંની મસાલાથી ભરપૂર ઠંડી છાસ બનાવી રાહે પસાર થતા મુસાફરો, રાહદારીઓ, વડીલો, શ્રમિકો કે સ્કૂલના બાળકોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યા છે તો બીજી તરફ ગરમીના આવા તાપમાં કામ અર્થે નીકળતા શ્રમિકો આ એક ગ્લાસ છાસનો પી અંતરઆત્માથી તેમને તૃપ્ત થયાના આનંદ સાથે આશિષ આપતા નજરે જોવા મળે છે.

ગરમીના તાપના દિવસોમાં સતત રોજનું કમાઈ રોજનું ખાનાર મહેનતુ વર્ગના લોકો એક ગ્લાસ છાશ પીને એક નવી શક્તિના સ્ત્રોતના સંચય સાથે ફરી પોતાના કાર્યમાં લાગતા જોવા મળે છે. આ મિત્રમંડળ દ્વારા જે સેવાકીય કાર્ય નિઃશુલ્ક અને નિષવાર્થ રીતે કરવામાં આવી રહ્યું છે તે બેમિસાલ અને કાબિલે તારીફ છે અને તેના માટે પ્રત્યેક નાગરિકને ગર્વનો અનુભવ થાય તેમાં કોઈ બેમત નથી.

જામનગર ખાતેના આ મિત્ર મંડળના સેવાકીય કાર્યને બિરદાવતા તેમને ખરેખર એક સલામ તો બને જ છે જે સાબિત કરે છે કે માનવતા એ જ સાચી પ્રભુ સેવા છે.