4 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલતા જામનગર જિલ્લા ભાજપે મનાવ્યો વિજય ઉત્સવ.

જામનગર: જામનગર જિલ્લા કાર્યાલય ખાતે ભાજપનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 4 રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાતા જામનગર ખાતે વિજયની ભવ્ય ઉજવણી કરાઈ હતી.5 રાજ્યોમાં થઈ રહેલા વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ આવ્યું જેમાં 4 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું.

દેશભરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિજયના સમાચાર મળતાં કાર્યકરોનો ઘસારો ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યો હતો અને સૌ કોઈ ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અતિશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની વધામણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત બીજેપી મહિલા કાર્યકર્તાઓ અને કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ગરબે ઝૂમી આ ખુશીને વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ ડો વિમલભાઈ કગથરા દ્વારા સંબોધન કરી તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓને અભિનંદન આપતા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, અમીબેન પરીખ, ડિમ્પલબેન રાવલ સહિત તમામ કોર્પોરેટરો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.