અમદાવાદ: શનિવારના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે અને અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં જ્યારે નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રુમમાં ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જ્યારે બુઝુર્ગ બિરમાબાઈને નાગરિકતા પત્ર એનાયત કર્યું, ત્યારે તેમની આંખોમાં અનોખી ચમક જોવા મળી. બિરમાબાઈએ જિલ્લા કલેક્ટરશ્રીને વંદન કર્યા અને બોલ્યાં, “અપને મુલ્ક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ.” બિરમાબાઈ આટલું બોલ્યાં ત્યારે કોન્ફરન્સ રુમમાં હાજર અબાલવૃદ્ધ સૌ કોઈએ ‘’ ભારત માતા જિંદાબાદ’’થી નારાથી વાતાવરણને ઉર્જામય બનાવી દીધું હતું. આ પ્રસંગે કોન્ફરન્સ રુમમાં ઉપસ્થિતો રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પણ સૌને ‘’લખ લખ બધાંઈયાં’’ (લાખ લાખ અભિનંદન) પાઠવ્યા હતા.તેમણે કહ્યું કે, ભારત માતા પ્રત્યેનો આપનો આદર-લગાવ જોઈ મને આનંદ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આપને નાગરિકતા મળી, તેનો અમને આનંદ છે. તેમણે ભારતીય નાગરિકતા માટેની પ્રક્રિયામાં વિવિધ વિભાગો સંકળાયેલા હોઈ તેની ગતિને વધુ તેજ બનાવવા નાગરિકોની સક્રિય ભાગીદારી માટે પણ અનુરોધ કર્યો હતો.
તેમણે ભારતીય નાગરિકતા મેળવનારા લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભકામના પણ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ પણ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે અગ્રણી નાગરિકોએ જિલ્લા કલેક્ટરને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 971 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.