* જામનગર: ભારત સરકારના સોમવારે સંસદગૃહમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તેમજ રાષ્ટ્રના વણથંભ્યા વિકાસની પરિપૂર્તિ સમાન ગણાવી જામનગર મહાનગર ભાજપના હોદ્દેદારોએ બજેટને હોંશભેર વધાવ્યું છે. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, શહેરના ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી. આર.સી. ફળદુ, પૂર્વ.રાજ્ય મંત્રી શ્રી. ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદશ્રી પૂનમબહેન માડમ, ઉપરાંત નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણભાઇ ભાટુ સહિતના હોદ્દેદારો વગેરેએ વર્ષ ૨૦૨૨-૨૩ ના કેન્દ્રીય બજેટને એકસૂરથી આવકારી જણાવ્યું હતું કે, કોરોના મહામારીના અતિ કપરા સંજોગોમાં વિશ્વભરના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે, ત્યારે ભારતની વર્તમાન સરકારે જી.ડી.પી.નો વિકાસદર યથાવત્ જાળવી રાખી શકાય તેવી અર્થ વ્યવસ્થાનું સતત બે વર્ષથી આયોજન કરી ચોમેર પ્રશંસા હાંસલ કરી છે.
બજેટમાં સમાવિષ્ટ યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આવકમાં વધારો થશે, સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો આયાત કરવાના બદલે ઘરઆંગણે ઉત્પાદન વધારવામાં આવવાથી ઉદ્યોગોમાં રોજગારી વધશે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો નિવાસનું નિર્માણ થશે, દેશમાં પરિવહન અને માર્ગ નિર્માણમાં જબરદસ્ત ક્રાંતિ આવશે. આરોગ્ય સેવાઓ વૈશ્વિક કક્ષાની વિસ્તરણ પામશે, ઓર્ગેનિક ખેતી, નલ સે જલ, ડિજીટલ સેવાઓ, જમીન બાબતે વન નેશન, વન રજીસ્ટ્રેશન, પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સેવાઓનું પ્રસ્થાન જેવી યોજનાઓ આગામી વર્ષોમાં રાષ્ટ્રની કાયાપલટ કરી દેશે. તદુપરાંત ગુજરાતમાં વ્યાપક આવકાર પામેલા સહકારી ક્ષેત્રના ફલકને સમગ્ર દેશમાં વિસ્તારવા માટે કો-ઓપરેટિવ સોસાયટીઓના કર-માળખામાં કરાયેલો ઘટાડો જેવી બજેટની જોગવાઈઓ સૌનો સાથ, સૌનો વિકાસ સંકલ્પને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. આમ વર્ષ ૨૦૨૨-૨૩ નું કેન્દ્રીય બજેટ વિકાસશીલ હોવાથી તમામ વર્ગના લોકો માટે રાહતરૂપ બની રહેશે.