દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે 1 દર્દીનું મોત થયું છે.સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.દિલ્હીના આરોગ્ય પ્રધાન સતૈન્દ્ર જૈને જણાવ્યું હતું કે  છેલ્લા 2 દિવસ દરમિયાન દિલ્હી આઇએલબીએસ, એલએનજેપી અને એનસીડીસીની ત્રણ લેબમાંથી 84 ટકા જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ ઓમિક્રોનના હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહો. ૨ વર્ષનો અનુભવ સૂચવે છે કે માસ્ક પહેરવાથી તે અટકાવી શકાય છે. ટૂંક સમયમાં દિલ્હીની પ્રજા પણ ઓમિકોનને એક સાથે હરાવી દેશે. અત્યાર સુધી પરિસ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે. ત્યારે સંખ્યા વધી રહી છે, પરંતુ લોકો તેની તુલનામાં ગંભીર રીતે બીમાર થઈ રહ્યા નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે નિષ્ણાંતોનું કહેવું છે કે જો ઓમિક્રોન જ રહ્યો તો ટૂંક સમયમાં તેમાંથી છૂટકારો મળી શકે છે જેટલા પણ દેશમાં આવ્યો છે, સાઉથ આફ્રિકામાં પણ ઓમિક્રોન ઝડપથી ઉપર ગયો અને પછી ડાઉન થઈ ગયો.દિલ્હીમાં પહેલી વાર એવું બન્યું છે કે 100માંથી 84 દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટના આવી રહ્યાં છે સાથે કોરોનાના કેસ પણ ખતરનાક ગતિએ વધી રહ્યાં છે.