અમદાવાદ : હેડ ક્લાર્ક પેપર લિંક કાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી, તપાસમાં ઢીલાશ રાખવાના આરોપ અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમનો ઘેરાવ

અમદાવાદ : હેડ ક્લાર્ક પેપર લિંક કાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી, તપાસમાં ઢીલાશ રાખવાના આરોપ અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમનો ઘેરાવ કર્યો હતો, જેને લઈને પોલીસનો મોટો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. આ બાદ આંદોલન ઉગ્ર સ્વરુપ ન લે તે માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી અને તેની યુથ વીંગ દ્વારા ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને ધેરવામા આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા સહિતના નેતાઓએ સ્થળ પર વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા કમલમ ખાતે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે ભાજપનો વિરોધ કર્યો હતો અને તેમણે પેપર કાંડ મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરાને એમના પદ પરથી હટાવવા માંગ કરી હતી.આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચીને ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે, તેની જાણ પોલીસને થતાં મોટો કાફલો ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસે કાર્યાલયના પ્રાંગણમાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતું આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થળ ન છોડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના બે થી ત્રણ જેટલા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા.