તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં એન.વી.બી.ડી.સી.પી કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરાયુ
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ૭ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. જેમાંથી ૩ કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળતા નોટીસ ફટકારવામાં આવી હતી. વિરમગામના હરિક્રિષ્ના રેસિડન્સી, મધુરમ રેસિડન્સિ અને વલ્લભ સિટીની કન્સ્ટ્રક્શન સાઇટ પર અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર કે.એસ ઠાકોર, અજય ક્રિશ્ચન, હાર્દિક પટેલ, દિવાનસંગ ઠાકોરની મુલાકાત દરમ્યાન મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળતા અર્બન હેલ્થ ઓફિસર ડૉ.જીગર દેવિક દ્વારા નોટીસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના તાલુકા મ.પ.હે.સુ. નીલકંઠ વાસુકિયા દ્વારા એન.વી.બી.ડી.પી. કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ અને મચ્છરદાની દવાયુક્ત કરવા તથા કોવિડની સાથે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સઘન કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.