અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના. અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કલક્ત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં ધબકશે

અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના. અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કલક્ત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં ધબકશે

હ્યદય, ૨ કિડની, 1 લિવર,1 સ્વાદુપિંડના દાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું

જીએનએ અમદાવાદ: સિવિલ હોસ્પિટલ થકી અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવી રહી છે. આવી જ અંગદાનની વધુ એક ઘટના આજે સિવિલ હોસ્પિટલમાં બની. જેમાં 35 વર્ષીય મિત્તલબેન પ્રજાપતિ બ્રેઈનડેડ થતા તેમના પતિ શ્રી ભરતભાઇ પ્રજાપતિ અને સ્વજનોએ અંગોનું દાન કરીને દિવંગતોને અમરત્વ આપ્યું છે.

મિત્તલબેનના મળેલા અંગોના દાનમાં હ્યદય મેળવવામાં પણ સફળતા મળી હતી. જેને ગ્રીનકોરિડોર મારફતે ફક્ત 6 મિનીટમાં અમદાવાદ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. અમદાવાદ એરપોર્ટ થી મિત્તલબેનનું હ્યદય કલકત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હ્યદયદાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી ના વડપણ હેઠળની SOTTO ની ટીમ દ્વારા 9 મહિનામાં 12 અંગદાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મિત્તલબેનનું અકસ્માત થતા તેઓને પ્રાથમિક સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મિત્તલબેનના પતિ શ્રી અને તેમના સ્વજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. તેમના પરિવાર જનોને અંગદાન માટે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. જેનાથી પ્રેરાઇને પરિવારજનોએ મિત્તલબેનના અંગોનું દાન કરવાનો જનહિતલક્ષી , હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
મિત્તલબેન ના અંગદાનમાં 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને હ્યદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. જેના થકી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે.

સમગ્ર વિગત આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડ઼ૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલની SOTTO હેઠળની ટીમ અંગદાન સંદર્ભે દિવસ -રાત જનજાગૃતિ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતા દર્દીના સ્વજનોમાં અંગદાન અંગે જાગૃકતા આવી છે. છેલ્લા 9 મહિનામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 12 અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુધાર આવ્યો છે. મિત્તલબેનના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કરીને સમાજ માટે એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે.