સાગબારા વીજ કંપનીના નાયબ ઇજનેર પર હુમલો કરનાર ચોપડાવાવ ના સરપંચની એક વર્ષની કેદની સજાનો અને રૂ.1000/-નો દંડ નો હુકમ.

સાગબારા કોર્ટનો ચુકાદો, દંડ નહીં ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો પણ હુકમ.

શાકબારા વીજ કંપનીના નાયબ ઇજનેર પર હુમલો કરનાર ચોપડાવાવના સરપંચ ને સાગબારા કોર્ટે કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા અને રૂ.1000/-નો દંડ નો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
કેસની વિગત અનુસાર તાપીના વ્યારાના અને સાગબારા વીજ કંપનીમાં નાયબ ઈજનેર નિલેશભાઈ રમણભાઈ ચૌધરી 2016 ફરજ પર હતા. ત્યારે ચોપડાવાવના સરપંચ અશોકભાઈ નારણભાઈ વલવી સાગબારા ઓફિસે લાઈટ કનેક્શનના ફોર્મ ભરવા આવ્યા હતા. દરમિયાન ગ્રામ પંચાયતના લાઈટબિલ નાણા ભરવાના મુદ્દે બોલાચાલી થતા સરપંચ ઉશ્કેરાઇ ગયા હતા, અને ઇજનેરને જીઇબી ઓફીસમાં અપશબ્દો બોલી ઓફિસમાં મીટર લઈને મારવા માટે ધસી આવ્યા હતા, અને ઇજનેર પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સાગબારા કોર્ટમાં ચાલી જતા કોર્ટે ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ સરપંચ અશોકભાઈને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તેમજ રૂ. 1000/-નો દંડ અને દંડ નહીં ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.