ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય

ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય?
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
મારા એક અંગત મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણને એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આપણા બધા કર્મો જો ઈશ્વરની ઈચ્છાથી જ થતા હોય તો દુષ્કર્મ કે અનિષ્ઠ કર્મ માટે જવાબદાર કોણ અને જો અનિષ્ટ કર્મો ઈશ્વર ઇચ્છાથી જ થતાં હોય તો તેના ફળ પણ આપણે શા માટે ભોગવવા પડે. શાસ્ત્રો અનુસાર ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ય હલતું નથી. જગતમાં મન-વચન-કર્મથી જે કંઈ કાર્ય જે કોઈના દ્વારા થાય છે તે બધી ઈશ્વરની ઈચ્છા કે લીલાનું ફળ છે. એનો અર્થ એ થયો કે સારા કર્મો માટે ઈશ્વરને ક્રેડિટ અપાતી હોય તો ખરાબ કર્મ માટે પણ ઈશ્વર જ જવાબદાર ઠરે. પરંતુ કર્મના સિદ્ધાંત અનુસાર સારા કે ખરાબ દરેક કર્મ માટે વ્યક્તિ પોતે જવાબદાર છે કેમકે વાણી, વિચાર કે વર્તન દ્વારા થતાં લગભગ દરેક કાર્ય મનુષ્ય સંપૂર્ણ સભાનતા અને જાગૃતિ સાથે કરે છે. વળી કર્મો પાછળ સંકલ્પબળ અને અનેક ઈચ્છાઓ ભાગ ભજવે છે. જેના સારા કે માઠા પરિણામો પણ વ્યક્તિએ પોતે જ ભોગવવા પડે. પુણ્યકર્મોનું ફળ સુખ-શાંતિ અને પાપકર્મના ફળરૂપે વ્યક્તિ દુઃખ-દર્દ, પીડાઓ કે પ્રતિકૂળતાઑનો સામનો કરતો હોય છે. સ્વાભાવિક રીતે જ વધુ વાંચતા અને વિચારતા બુદ્ધિશાળી વ્યક્તિને આ વિરોધાભાસી સાહિત્ય દ્વારા એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે કોઈપણ પ્રકારના કર્મો કોના દ્વારા થાય છે, કોની ઇચ્છા તેની પાછળ જવાબદાર છે. વળી સારા કર્મો જો ઇશ્વરકૃપાથી શક્ય બનતા હોય (વ્યક્તિગત ઈચ્છા કે સંકલ્પ દ્વારા નહીં) તો પછી દુષ્કર્મ માટે પણ ઈશ્વર જવાબદાર કહેવાય. જો ખરાબ કે અનિષ્ટ કર્મો ઉપર પ્રમાણેના તર્ક અનુસાર ઈશ્વર ઈચ્છાથી કે એના દ્વારા જ થતા હોય તો પછી તેની સજા મનુષ્ય શા માટે ભોગવે, તે પણ ઈશ્વરને જ સમર્પિત થવી જોઈએ.
આવા પ્રશ્નોના જવાબ કે સમાધાન મારા અધ્યાપક મિત્ર કર્મકાંડી બ્રાહ્મણ પાસે ન હોવાથી એક દિવસ મારી અનુકૂળતા જોઇને તેઓએ મને પ્રશ્ન પૂછયો, જેના જવાબમાં મેં તેમની સાથે જે ચર્ચા કરી તે આજના આ આર્ટિકલમાં મૂકી છે. કેમ કે આવા પ્રશ્નો યુગોથી આપણા જેવા અનેક લોકોને મૂંઝવતા રહ્યા છે. જેથી થયું કે મારી અંગત સમજણ દ્વારા કદાચ કોઈની મૂંઝવણમાં સમાધાન મળે તો મારો પ્રયત્ન કે આધ્યાત્મિક યાત્રા સફળ ગણાય. ઉપર પ્રમાણેના પ્રશ્નોના જવાબ મેળવતાં પહેલાં થોડી બાબતોનું સ્પષ્ટીકરણ જરૂરી બને છે જેમ કે ઈશ્વર એટલે કોણ? તેનો આપણા જીવનમાં શું રોલ છે? મનુષ્ય નિર્ણય કેવી રીતે લે છે? મનુષ્ય કાર્યો કે કર્મ કયા પરિબળોને આધિન કરે છે? વગેરે. સૌપ્રથમ એ સમજી લેવું મને જરૂરી લાગે છે કે આપણા દરેક કર્મો પાછળ આપણો સ્વભાવ, વૃત્તિઓ, આદતો અને પસંદગી જેવા અનેક પરિબળો જવાબદાર હોય છે અને આ ચારેય બાબતો પાછળ આપણા અનેક પૂર્વજન્મોના સંસ્કારો કે કર્મો જવાબદાર હોય છે. જે સંસ્કાર કે કર્મોની છાપ આપણા અંતઃકરણમાં સંગ્રહિત હોય છે. જે અનુસાર નિમિત્ત ઉદ્ભવતા વ્યક્તિ તે અનુસાર કરવા પ્રેરાય છે મજબૂર બને છે. કોઈકવાર કાર્ય થઈ ગયા પછી તેને સમજાય પણ છે કે ખોટું અને અયોગ્ય થઈ ગયું. પરંતુ ભૂતકાળની વાસનાઓ હાવી થતાં તે ક્ષણે પોતાના પર કાબૂ ન રહેતા કાર્ય આયોગ્ય રીતે થઇ જાય છે. જેના ફળ ભોગવવા જ પડે છે જેમ કે બેદરકારીયુક્ત વાવણી ખેતીક્ષેત્રે જો થઈ જાય કે કડવા બીજ રોપાઇ જાય તો અનાયાસે તેના કડવા ફળ તો સમય સાથે પ્રાપ્ત થતાં જ હોય છે એ સમજી શકાય એવી સ્વાભાવિક વાત છે. ટૂંકમાં સારા કે ખરાબ જે કોઈ કર્મો આપણા દ્વારા થાય છે તેની પાછળ અનેક વાસનાઓ સંસ્કારો અને વૃત્તિઓ જવાબદાર હોય છે.
કોઈપણ કાર્ય થતાં પહેલા તેની પાછળ તે અંગે લીધેલો નિર્ણય અગત્યનો રોલ ભજવે છે કેમ કે પ્રથમ નિર્ણય લેવાય છે ત્યારબાદ કર્મ થાય છે એ આપણાં સૌનો અનુભવ છે. કોઈપણ કાર્ય અંગેનો નિર્ણય લેવાનું કામ આપણી બુદ્ધિ કરે છે જે મનુષ્યના અંતઃકરણનો એક ભાગ છે. અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકારનો સમાવેશ થાય છે. મનનું કાર્ય સંકલ્પો અને વિકલ્પો કરવાનું છે જ્યારે બુદ્ધિનું કાર્ય યોગ્ય કે અયોગ્ય વિચારી નિર્ણય લેવાનું છે. પરંતુ સંકલ્પ-વિકલ્પ કરવામાં તેમજ નિર્ણય લેવાના કાર્યમાં મન તેમ જ બુદ્ધિનો માર્ગદર્શક હંમેશા વ્યક્તિનો અહંકાર રહેતો હોય છે. આ અહંકાર ચિત્તમા સંગ્રાહેલ અનેક જન્મોની સ્મૃતિને આધીન રહે છે. આમ કાર્ય,કર્મ કે નિર્ણય પાછળ અનેક જન્મોની ચિત્તમાં સંગ્રહાયેલી સ્મૃતિ સૌથી મહત્વની સાબિત થાય છે. આ સ્મૃતિ અનેક વાસના અને સંસ્કારો દ્વારા ઘડાય છે. જન્મોજન્મનું જેટલું સારું શિક્ષણ સંસ્કારો અને આદતો એટલી સ્મૃતિ વિધાયક સર્જનાત્મક ઉમદા અને કલ્યાણકારી બને. જે હંમેશાં વ્યક્તિને ઉદાત્ત અને પુણ્યશાળી કર્મો તરફ ધકેલે જ્યારે અયોગ્ય શિક્ષણ, અનેક કડવા અનુભવો, નકારાત્મકતા, અસંસ્કાર, સ્વાર્થી વૃત્તિઓ વ્યક્તિને પાપ કર્મો તરફ ધકેલે. જેના પર વ્યક્તિનો સામાન્ય રીતે કોઈ કાબૂ હોતો નથી. એટલે જ શાસ્ત્રો સલાહ આપે છે કે સ્વભાવગત મર્યાદાઓને કારણે અથવા પૂર્વ વાસનાઓને આધીન કોઈ એવા અનિષ્ઠ નિમિત્તો સર્જાય ત્યારે ત્વરિત પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. સંયમની સાધના કરવી જોઈએ અને નિર્ણય લેવાનું કે કર્મ કરવાનું તે સમય પૂરતું વિલંબિત કરવું જોઈએ. ધીરજપૂર્વક વર્તવું જોઈએ જેથી અનિષ્ઠ કર્મોથી બચી શકાય. ઉપરાંત આપણા અંતઃકરણમાં ફરી કોઈ અયોગ્ય સ્મૃતિ ન સર્જાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. ચિત્તમાં ધરબાયેલી સ્મૃતિ એ કોમ્પ્યુટર હાર્ડડિસ્ક જેવી છે જેમ કમ્પ્યુટરને કોઈ કમાન્ડ અપાય અને એકસરખી જણાતી ઘણી બધી વિન્ડો એકસાથે ખુલી જાય તે પ્રમાણે જીવનમાં એક જેવા નિમિત્તો સર્જાય તો અનેક પ્રતિક્રિયાઓના એક જેવા દેખાતા વમળો સર્જાવા માંડે છે. જેના પર વ્યક્તિનું નિયંત્રણ ન રહેતા ક્યારેક દુષ્કર્મ થઈ જાય છે જેના ફળરૂપે સુખ કે દુઃખ ભોગવવાનું પ્રારબ્ધ સર્જાય છે. જેમાંથી બચવું લગભગ અશક્ય છે.
આમ કર્મોના સારાપણા કે ખરાબપણા પાછળ ઈશ્વર નહીં વાસ્તવમાં અંતઃકરણમાં ધરબાયેલી અનેક જન્મોની સ્મૃતિઓ જવાબદાર છે. આવા સ્મૃતિજન્ય જ્ઞાન દ્વારા જ સામાન્ય રીતે વ્યક્તિ નિર્ણય લેતો હોય છે અને કાર્ય કરતો હોય છે જે તેનું પરિણામ કે ફળ નક્કી કરે છે. વળી ઈશ્વર કોઈ વ્યક્તિ નથી તે એક દિવ્યઊર્જા છે, શક્તિ છે. આ ઊર્જા દ્વારા જ સમગ્ર અસ્તિત્વ ગતિમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે ઊર્જા કે શક્તિ વગર કોઈ કાર્ય કે કર્મ થઈ શકે જ નહીં. નિર્ણય લેવા માટે પણ ઊર્જાશક્તિની જરૂર છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર દરેક દ્વારા થતાં કાર્ય માટે ઉર્જાશક્તિ જ જવાબદાર છે. જે જીવ માત્રને પરમાત્માની ભેટ છે. મનુષ્ય તેના યથાર્થ ઉપયોગ દ્વારા જીવનને ઉત્તમ અને ખુશખુશાલ બનાવી શકે. એટલા માટે તો આત્માને પરમાત્માનો અંશ માનવામાં આવે છે. જે શક્તિનો ભંડાર છે, જ્ઞાન અને ઊર્જાનો ભંડાર છે, જેના ઉપયોગ દ્વારા જ અનેક કર્મો શક્ય બને છે અને તે અંગેના નિર્ણય લઇ શકાય છે. ઊર્જાશક્તિના અભાવમાં નિર્ણય લેવાનું બુદ્ધિનું કોઈ સામર્થ્ય જ નથી એટલે તો પાગલ માણસ કે ગાંડો માણસ નિર્ણય લઇ શકતો નથી. શક્તિ વગરના માણસ માટે કોઈ પણ સ્થૂળ કે સૂક્ષ્મ કાર્ય કરવું અશક્ય છે. એ દ્રષ્ટિએ એવું કહી શકાય કે દરેક કાર્યો ઈશ્વર ઈચ્છાથી કે ઈશ્વર દ્વારા થાય છે કેમ કે ઈશ્વર એક ઊર્જા છે, શક્તિ છે જે દરેક પ્રકારના કાર્યો માટે જરૂરી છે. પરંતુ આવી દિવ્યઉર્જા કે શક્તિના ઉપયોગની દિશા યોગ્ય-અયોગ્ય, સારું-ખરાબ, ઇષ્ટ કે અનિષ્ટ નક્કી કરે છે.
હા એટલું અવશ્ય કહી શકાય કે જન્મોજન્મ સતત અવિરત ક્ષણેક્ષણ ઉત્તમવિચારોમાં રહેનાર, જાણે-અજાણે અયોગ્ય કાર્ય કે અયોગ્ય નિર્ણય ન લેવાઈ જાય તેની તકેદારી રાખનાર, ઈશ્વરે આપેલી શક્તિ કે ઊર્જાનો અયોગ્ય ઉપયોગ ન થઇ જાય તે અંગે જાગૃત રહેનાર, સંયમી, સદગુણી, નિસ્વાર્થ વ્યક્તિને અર્ધ-જાગૃત મનની અપારશક્તિ સહાય કરતી હોય છે. એ દ્રષ્ટિએ ઉત્તમ કલ્યાણકારી કાર્યો કરવા માટે ઈશ્વરની આરાધના કે કૃપા આવશ્યક કહી શકાય. અહીં ઈશ્વરની આરાધના એટલે કોઈ વ્યક્તિની પૂજા કે મૂર્તિની પૂજા નહીં પરંતુ દિવ્યશક્તિ કે જે આપણી પાસે પહેલેથી જ છે તેની સાધના કે આરાધના કરવાની વાત છે. એટલે કે તેના યોગ્ય ઉપયોગની અનિવાર્યતાની વાત છે. એ વગર સારા કર્મો કરવા શક્ય નથી. એ દૃષ્ટિએ ચોક્કસ કહી શકાય કે પુણ્યકર્મો ઈશ્વરકૃપાથી જ શક્ય બને છે. પરંતુ એ તો સમજવું જ રહ્યું કે દુષ્ટકર્મો માટે પણ આ જ શક્તિનો દુરુપયોગ જવાબદાર છે જેની પાછળ અનેક જન્મોની વાસના સંસ્કાર અને સ્વભાવ નિમિત્ત હોઇ શકે. આસુરીગુણો ધરાવનાર વ્યક્તિને ગમે તેટલા ઉત્તમ ભાષણો આપો તે તેનો આસુરીમાર્ગ છોડવા કદી તૈયાર થશે નહીં અને અતિ સ્વાર્થી અને પાપી કાર્યો જ પસંદ કરશે. આમ તે પોતાને પ્રાપ્ય દિવ્યશક્તિનો દુરુપયોગ કરવા મજબૂર છે. પરંતુ પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ દ્વારા તે ધારે તો દિશા પરિવર્તન કરી શકે એટલે કે આસુરીગુણોમાંથી દિવ્યતા તરફ પ્રયાણ કરી શકે, દિવ્યગુણો પ્રાપ્ત કરી શકે. તેની પાસે ઉર્જાશક્તિ તો છે જ (એટલે ઈશ્વર તો છે જ) સવાલ છે માત્ર તેના ઉપયોગની દિશાનો.

ઉત્તમ દિશામાં થતો ઉર્જાનો ઉપયોગ વ્યક્તિને દેવ બનાવે છે જ્યારે અયોગ્ય દિશામાં થતો ઉર્જાનો ઉપયોગ વ્યક્તિને અસૂર બનાવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈશ્વર એટલે દિવ્યઊર્જા કે દિવ્યશક્તિ જે સનાતન છે, જેના દ્વારા સમગ્ર અસ્તિત્વ ટકેલું છે, જેનો નાશ કદી શક્ય નથી. સવાલ છે માત્ર આ દિવ્યશક્તિના ઉપયોગનો, જેના માટે જ ઈશ્વરે મનુષ્યને મન, બુદ્ધિ, વિવેક જેવા ઉત્તમ તત્વોની ભેટ આપી છે. મનુષ્ય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી અનિષ્ટથી અવશ્ય બચી શકે. દા.ત. પૂર્વના કે વર્તમાન અયોગ્ય સંસ્કાર, સોબત કે વાસનાને કારણે વ્યક્તિને દારૂ-જુગાર તમાકુ કે જંકફૂડ ખાવાની ભાવના સતત રહેતી હોય, સત્સંગ સત્કર્મ ઈશ્વર તરફ પ્રેમ સ્વાભાવિક રીતે જ ઓછો થતો હોય છતાં જો તે ધારે દ્રઢ સંકલ્પ કરે કે તેને ખોટાનો સાથ છોડવો છે અથવા ઉત્તમ તરફ પ્રયાણ કરવું છે તો અવિરત અભ્યાસ અને થોડા માર્ગદર્શન કે સહાય દ્વારા તે ધ્યેય હાંસલ અવશ્ય કરી શકે. (એ સહાય ઈશ્વરના નામની પણ હોઈ શકે, શ્રદ્ધાની, ગુરુની, શિક્ષણની કે અન્ય કોઈપણ હોઈ શકે)
ઉપરાંત એક વિશેષ બીજી વાત અહીં સમજવા જેવી એ પણ છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલી ન શકે એ વાત સો ટકા સાચી કારણ કે તમને લાગે છે કે સંસારના કોઈપણ કાર્ય ઉર્જાશક્તિ વગર થઈ શકે. ઉર્જા અનેક પ્રકારની એટલે કે શારીરિક, માનસિક, આર્થિક સામાજિક કે આધ્યાત્મિક હોઈ શકે. એ દ્રષ્ટિએ દિવ્યઉર્જા કે શક્તિસ્વરૂપ ઈશ્વર દરેક કાર્યો માટે સો ટકા જવાબદાર ગણાય. પરંતુ ઈશ્વર કોઈ વ્યક્તિ ન હોવાથી ઈશ્વર સ્વરૂપ ઉર્જાનો ઉપયોગ કરનાર કર્તા જ તેના ફળનો ભોક્તા બની શકે. એટલા માટે ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરનાર સુખનો ભાગીદાર બને છે જ્યારે ઊર્જાનો અયોગ્ય ઉપયોગ કરનાર દુઃખનો ભાગી બને છે. પ્રચંડશક્તિ સ્વરૂપ બોમ્બનો વિનાશકારી ઉપયોગ કરનાર કર્તા એ શક્તિ દ્વારા સર્જાતા વિનાશથી કેવી રીતે બચી શકે? અગ્નિ ક્યારેય પોતાને ન બાળી શકે. એ તો તેનો ઉપયોગ કરનારને જ લાભ કે ગેરલાભ આપી શકે.આમ શક્તિનો ઊર્જાનો ઉપયોગ કરનાર જ તેના ફળનો હકદાર છે. શક્તિ પોતે (ઈશ્વર પોતે) કદી ફળ ભોગવી શકે નહીં એ તો શક્તિના ભોકતાના શિરે જ હોય. ઊર્જાના સર્જનાત્મક ઉપયોગ દ્વારા જો સ્વર્ગ સર્જાય તો તેનું સુખ કદી શક્તિ કે ઉર્જાની કિસ્મતમાં હોતું નથી, એ તો શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરનાર કર્તાના ભાગ્યમાં જ લખાય છે.
ટૂંકમાં ઉપર પ્રમાણેના અનેક પ્રશ્નોના જવાબમાં જો ભગવાન એટલે કોણ અને કર્મો થવા પાછળ અંતઃકરણ કે ચિત્તમાં ધરબાયેલી અનેક જન્મોની સ્મૃતિ કઈ રીતે કાર્ય કરે છે તે જો વિજ્ઞાનિક રીતે સમજી લઈએ તો મને લાગે છે આપણે આવા પ્રશ્નરૂપી મૂંઝવણમાંથી બચી શકીએ અને યથાર્થ જવાબ દ્વારા યોગ્ય માર્ગ પસંદ કરી ખૂબ અનુકૂળ અને આનંદિત જીવન જીવી શકીએ. જરૂર છે માત્ર ઈશ્વરને વૈજ્ઞાનિક રીતે દિવ્યઊર્જાના સ્વરૂપમાં સમજવાની અને કમનસીબે સ્મૃતિમાં જો કોઈ નકારાત્મકતા ઘર કરી ગઇ હોય તો તેને સમજણપૂર્વક દ્રઢ સંકલ્પ અને અભ્યાસ દ્વારા દૂર કરવાની જેથી અનિષ્ટ કર્મ કે અયોગ્ય નિર્ણય ન લેવાઈ જાય કે જેના ફળ ભોગવવા પડે.